Search This Blog

Monday, January 5, 2009

ભગવાન ક્યાં છે???

સૌથી પહેલા એ સમજીએ કે ભગવાન શું છે??

શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી મહાવીર, શ્રી મહાદેવ, શ્રી વિષ્ણુ, શ્રી સાંઈ વિગેરેને આપણે હમણાં ઉત્તમ આત્મા માની પરમાત્માના સ્થાને મુકીએ. તેઓ ભગવાન છે, તેઓ મહાન છે, એની ના નથી પાડતો પણ આ એક સમજણ ખાતર હાલમાં આપણે આમ જ ધારીએ. તો ભગવાનની વ્યાખ્યા શું કરશો??

મિત્રો..
મારા મત મુજબ..

જ્યારે તમે જન્મો છો ત્યારે તમને પોતાના પેટમાં નવ મહીના સુધી સાચવી રાખનાર "મા" એ ભગવાન છે. તમારી નાની નાની જરૂરીયાત માટે તનતોડ મહેનત કરનારા તમારા "પીતા" એ ભગવાન છે. તમને ગેરમાર્ગે જતાં રોકનાર તમારા વડીલો એ ભગવાન છે. તમને સાચુ શીક્ષણ આપનાર તમારા ગુરૂ એ તમારા ભગવાન છે. કોઈ અજાણ્યાએ તમારી બેકારી દરમ્યાન તમને રોજી રોટી માટે નોકરી આપી તો એ ભગવાન છે. કપરા સમયમાં તમારી મદદે પહોંચનાર તમારા મિત્ર એ ભગવાન છે. ટુંકમાં દરેક ઉપકારી એ તમારા ભગવાન છે.

આ સીવાય..

બે દિવસ સુધી ભુખ્યા માણસને જ્યારે કોઈ વ્યક્તિ પેટ ભરીને જમાડે છે ત્યારે એ ભુખ્યો માણસ જમાડનારને ભગવાન કહેશે. પેટ ભર્યા પછી એની સજળ આંખોમાં જ તમને જમાડનાર પ્રત્યેની એની અનન્ય ભક્તિ જોવા મળશે.

શીયાળાની ઠંડીમાં થીજાતા અને ફુટપાત પર સુતાં ગરીબને જ્યારે જ્યારે કોઈ ધાબળો ઓઢાડે છે ત્યારે એ ગરીબ માણસ મનમાં એમ માને છે કે જાણે એને માટે ભગવાન આવ્યા.

શું આવી વ્યક્તિઓને તમે ભગવાન નહી કહો?? હું તો કહીશ દાન કરતાં દરેક હાથ એ ભગવાન છે.

તો પછી ઉપર જે નામ લખ્યા એ કોણ છે?

એ બધાં પણ ભગવાન જ છે. એ દરેક આધ્યાત્મની સિમાઓ મેળવી ચુકેલી આત્મા છે. આ એવા ઉત્તમ આત્માઓ છે જેમણે અન્ય આત્માઓને સદ્કાર્યો કરવા પ્રેર્યા છે. અથવા એમ કહો કે આ આત્માઓ એ મનુષ્યમાત્રને આધ્યાત્મનો ઉત્તમ માર્ગ બતાવનાર આત્મા છે. આમ તેઓ સંપુર્ણ મનુષ્ય જાતીના ઉપકારક એવા ભગવાન છે.

જૈન શાષ્ત્રો પ્રમાણે વાત કરૂં તો...

દરેક આત્મા પરમાત્મા બની શકે છે. દરેકની અંદર મોક્ષ મેળવવાની શક્તિ રહેલી છે. આપણે મોક્ષ એટલે નથી મેળવી શક્તા કારણ કે આપણા જ કરેલા દુષ્કાર્યો આપણને નડે છે. આપણા દુષ્કાર્યો એ તરવાનો સ્વભાવ ધરાવતાં લાકડા પર લાગેલો એવો મેલ છે જે એ લાક્ડાને ડુબાડી દે છે. શાષ્ત્રો કહે છે કે તમે પણ ભગવાન બની શકો છો. જરૂર છે ફક્ત તમારા દુષ્કાર્યોને દુર કરવાની.

મિત્રો....

ભગવાન શું છે એનો ખ્યાલ તો તમને આવી ગયો હશે... હવે મુળ સવાલ ભગવાન ક્યાં છે???

ઉપર જે નામ લખ્યા છે એ દરેકે કહ્યુ છે કે ભગવાન તો તમારી આસપાસ જ છે તમારે જરૂર છે એને ઓળખવાની.

તો આપણે ભગવાનને ઓળખશું કઈ રીતે?? એનો પણ એક સરળ રસ્તો છે.

તમે જ્યારે કોઈ ભિખારીને પચાસ પૈસા આપતો હાથ જુઓ તો સમજજો એ ભગવાન છે.
જ્યારે તમે કોઈ માતા કે પિતાને પોતાના પુત્રના માથે વ્હાલથી હાથ ફેરવતાં જુઓ તો સમજજો કે એ ભગવાન છે.
જ્યારે તમે ભરઉનાળે બપોરના સમયે રસ્તા પર જતાં હોવ અને છાંયડા માટે તમને એક વૃક્ષ મળી જાય તો સમજજો એ વૃક્ષ ભગવાન છે.
એક્સીડેન્ટ થયો હોય ત્યારે ઈજા પામેલી વ્યક્તીને ઉઠાવનાર હાથ એ ભગવાન છે.
પગ છોલાઈ ગયો હોય અને સખત લોહી નિકળતું હોય ત્યારે પાટો બાંધનાર હાથ એ ભગવાન છે.
અરે!! તમને તરસ લાગી હોય અને તમને કોઈ પાણી ધરે તો સમજવું એ હાથ ભગવાન છે.

ભગવાન ગરમી લાગતી હોય ત્યારે પંખામાંથી વહેતા પવનમાં છે. રડવું આવતું હોય ત્યારે સાંત્વના બનીને નિકળેલા શબ્દોમાં છે. સૌથી સુંદર અહેસાસ એવા પ્રેમમાં ભગવાન છે.

હવે એક નવો સવાલ. અગર ભગવાન આટલી બધી જગ્યાએ છે તો મંદિર કે દેરાસર જેવા સ્થળોએ જવાની શી જરૂર??

હા, જરૂર છે. કારણ કે ત્યાં જે પ્રતિમાઓ છે એ પ્રેરણા સ્ત્રોતો છે. એમને જોતાં, એમની સ્તવના કરતાં કે એમની પૂજા કરતાં આપણા મનમાં એમના જિવન ચરિત્રની વાતો આવે છે. જે આપણને સદ્કાર્યો કરવા પ્રેરે છે. કૃષ્ણએ કાલીનાગને નાથ્યો કે મહવીરે ચંડકૌષીક નાગને ક્ષમા અને સમજણ આ.પી એવા પ્રસંગો ઉપર બનેલા ગીતો કે સ્તવનો જ આપણને જીદગીની ગુથ્થીઓ ઉકેલવામાં મદદ કરે છે.

એક નાનકડી વાર્તા
દર્શન અને મનન સાથે મંદિરે જાય છે. સોમવાર હોવાથી મહાદેવના મંદિરમાં ખુબ ભિડ હોય છે. ભિડ જોઈ મનન દર્શનને કહે છે "ચાલ પાછા જઈએ.. ખુબ ભિડ છે."
દર્શન : "અરે અહી સુધી આવીને પાછા કેમ જવાય."
મનન: " તો જા તું જઈ આવ. હું અહી બાગમાં આંટો મારીશ"
દર્શન : "ઠીક છે."

આમ દર્શન મંદિરમાં જાય છે અન મનન બાગમાં આંટો મારે છે. બાગમાં આંટો મારતાં મારતાં મનનને એક સોનાનો અછોડો મળે છે. અને દર્શન જ્યારે પાછો ફરી ચંપલ પહેરવા જતો હોય છે ત્યારે તેના ચંપલમાં બેઠેલો વિંછી એને ડંખી જાય છે.

ડંખને કારણે બન્ને મંદિરના ઓટલે ભેગા થઈને બેસે છે. ત્યારે મનન કહે છે. "અડધો કલાક સુધી આટલી લાંબી લાઈનમાં ઉભો રહી તે દર્શન કર્યા તો તને વિંછી નો ડંખ મળ્યો. અને જો હું બાગમાં આંટો મારતો રહ્યો તો મને આ અછોડો મળ્યો. જે ભગવાનને ભજવા તે તારાં પગ દુખાડ્યા તેણે તને ડંખ અપાવ્યો તો પછી આવા દર્શન કરવાનો અને આવા ભગવાનને ભજવાનો શું ફાયદો?"

બન્નેની વાત બાજુમાં બેઠેલા એક સાધુ મહાત્મા સાંભળતાં હતાં. તેણે મનનના ખભે હાથ મુકી કહ્યુ.

"બેટા મનન, તું જે વાત કહે છે તો તેનો જવાબ સાંભળ. આજે આ દર્શનના ભાગ્યમાં મૃત્યુ યોગ લખ્યો હતો. પણ એણે આજે ભગવાનને ભજ્યા તેથી તે મૃત્યુ યોગ વિંછીનાં ડંખથી ટળી ગયો. અને તારા ભાગ્યમાં આજે ખુબ મોટો લક્ષ્મી યોગ હતો. પણ તે અહી સુધી આવીને ભગવાનના દર્શન-ભજન છોડી બાગમાં ભટકતો રહ્યો તેથી તારે હવે આછોડાથી જ સંતોષ માનવાનો છે. હવે મને કહે કે આવા દર્શન-ભજનનો શું ફાયદો??"
=====================
શુભમ ભવતુ... અસ્તુ....
=====================