મિત્રો,
આજકાલ જૈનોના પર્યુષન પર્વ ચાલી રહ્યા છે. તેથી આપ સૌને "મિચ્છમી દુકડ્ડ્મ" શબ્દ ખુબ સાંભળવા મળશે. તો આ ટોપીક એના વિશ જ છે...
"મિચ્છામી દુકડ્ડ્મ" શબ્દ એ અર્ધમાગધી ભાષાનો છે અને તેનો અર્થ થાય છે "હું માફી માંગુ છું"
"જિવનમાં કોઈ પણ જીવનું અગર મારા મનથી અહીત ઈચ્છ્યુ હોય કે અહીત થયુ હોય અથવા મારા વચનને કારણે (એટલે કે મારી બોલીને કારણે) કોઈનું અહીત થયુ હોય કે કોઈને દુઃખ પહોચ્યુ હોય અથવા મારા શરીર થકી કોઈનું અહીત થયુ હોય કે કોઈને દુઃખ પહોચ્યુ હોય તો તે બદલ હું એ દરેક જીવની માફી માંગુ છું. મે મનથી, વચનથી કે કાયાથી મે કોઈ જીવને હણ્યો હોય, હણાવ્યો હોય અથવા કોઈએ હણ્યો હોય અને મે તેની અનુમોદના (વાહ વાહ) કરી હોય તો તે બદલ હું માફી માંગુ છું"
આ રીતે દરેક જૈને સંવત્સરી (એટલે કે પર્યુષણ નો છેલ્લો દિવસ) પહેલાં દરેજ જીવની માફી માંગવાની હોય છે... સાથે સાથે જૈન દર્શનમાં બતાવેલા અઢાર પાપસ્થાનો પૈકી કોઈ પાપ કર્યુ હોય તો તેની પણ માફી માંગવાની હોય છે.... અને આથી જ પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનો મહોત્સવ કહેવાય છે...
કોઈને તમાચો ચોડી દેવો સહેલો છે, પણ ત્યાર પછી માફી માંગવી અઘરી છે.
કોઈના વેરની સામે વેર વાળવુ સહેલું છે, પણ વેરની સામે માફી આપવી અઘરી છે.
જે માનવી દુશ્મનને જીતી જાણે તે વીર કહેવાય, પણ જે માનવી દુશ્મનને માફ કરી જાણે તે મહાવીર કહેવાય.
જૈનોના ચોવીસમા તિર્થંકર શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ ક્ષમાનો અદભુત મહીમા બતાવેલ છે. તો શરૂઆત પણ એમના જ જીવન પ્રસંગોથી કરીએ..
એક વખત એક મહારજ સાહેબ (જૈન મુની){નામ મને નથી યાદ પણ તેમના નામમાં કૌષીક શબ્દ આવે છે તે યાદ છે} તેમના શિષ્ય બાલ મુની ને લઈને વિહાર કરતાં હતાં રસ્તામાં એક મૃત દેડકા ઉપર મ. સા. નો પગ પડી ગયો. તેથી તેમણે બાલ મુનીને આ અંગે તેઓ તેમના ગુરૂ પાસે ક્ષમા માંગી લે એવુ યાદ કરાવવાં કહ્યુ. ઉપાશ્રય પહોચ્યા એટલે બાલ મુની એ વિનયભેર તેમને યાદ કરાવ્યું કે "ગુરૂદેવ ઓલા મૃત કાચબા ઉપર આપનો પગ પડેલો એ અંગે આપે દાદા ગુરૂ પાસે ક્ષમા માંગવાની છે." પણ તેઓ અન્ય કામમાં હોઈ તે કામ પછી થી કરીશ એમ કહ્યુ. દિવસમા બે-ત્રણ વખત બાલ મુની એ યાદ કરાવ્યું.. પણ દરેક વખતે તેમણે જુદા જુદા કારણ સર ક્ષમા માંગવી ટાળી... સાંજના સમયે જ્યારે તેમણે ફરી યાદ કરાવ્યુ ત્યારે ગુરૂદેવનો ગુસ્સો ગયો કે "કેમ વારે વારે યાદ કરાવો છો, મને સમજ નથી પડતી એમ માનો છો તમે??" અને દંડો ઉપાડી બાલ મુની ને મારવા દોડ્યા. બાલ મુની બચાવ માટે દોડ્યા... પાછળ ગુરૂદેવ... દોડતા દોડતાં રસ્તામાં થાંબલો આવ્યો... બાલ મુની ત્યાંથી આઘા ખસી ગયા અને ગુસ્સામાં અંધ બનેલા ગુરૂદેવને એ થાંબલો ના દેખાયો અને તેમનું માથુ થાંબલા સાથે અફળાયુ... ત્યાં જ તેઓ કાળ કરી ગયા... અને કોઈક નગરમાં માળી તરીકે જનમ્યા... ગુસ્સામાં મૃત્યુ પામ્યા હોવાથી આ ભવમાં પણ તે ભયંકર ક્રોધી બન્યા... તેમના બગીચામાં રમવા આવતા છોકરાઓ જ્યારે ફુલ તોડતા ત્યારે તેઓ લાકડી લઈને મારવા દોડતાં... આવી જ એક દોડા દોડી માં તેઓ કુવામાં પડીને મૃત્યુ પામ્યા... અને એક જંગલમાં ચંડકૌષીક નામના ભયંકર ઝેરી સર્પ બનીને જનમ્યા...
આ ચંડકૌષીકની વિશે એમ કહેવાય છે કે એ એટલો બધો ઝેરી સર્પ હતો કે તે જેની સામે જોતો એ બળી ને ભષ્મ થઈ જતો... એ પછી પક્ષી હોય, પ્રણી હોય કે મનુષ્ય... એની એક નજરથી જ તેઓ ખાક થઈ જતાં....
પ્રભુ મહાવીર ત્યારે આ પૃથ્વી પર વિચરતા હતાં... તેઓ આ જંગલમાં દાખલ થયા ત્યારે લોકોએ ખુબ વિનંતી કરી કે ત્યાં ના જાઓ... પણ પ્રભુ એ જ માર્ગે આગળ વધ્યા.... જ્યારે તેઓ ચંડકૌષિક સામે આવ્યા ત્યારે તેની નજરથી પ્રભુને કશું ના થયુ.. તેથી ચંડકૌષીકે પ્રભુને જમણા અંગુઠે દંશ માર્યો. તિર્થંકર પરમાત્માનો એક ગુણ એ હોય છે કે તેમના શરીરમાં સફેદ દુધ વહેતું હોય છે, લોહી નહી.. દંશ માર્યો ત્યારે પ્રભુના એ અંગુઠેથી સફેદ દુધની ધાર જોઈ અને સર્પ તેમને નમી પડ્યો... આમ તો દિક્ષા લિધા બાદ પ્રભુ કેવળજ્ઞાન ના મળે ત્યાં સુધી તેઓ મૌન જ રહે છે... પણ ત્યારે પ્રભુએ ચંડકૌષિક ને ત્રંણ શબ્દ કહ્યાં.... "બુઝ્ઝ બુઝ્ઝ ચંડકૌષિયા" એનો અર્થ થયો "ચંડકૌષિક કઈક સમજ, કઈક સમજ" આ શબ્દો સાથે ચંડકૌશીકને પોતાનો સાધુ ભવ યાદ આવે છે અને તેને પસ્તાવો થાય છે કે કાશ મે જો ત્યારે માફી માંગી લિધી હોત તો આજે મારે આટલા ઝેરી ના થવુ પડ્યુ હોય... આ પસ્તાવો કરતાં કરતાં તે પોતાના રાફડામાં એ રીતે ઉંધો ઘુસી જાય છે કે તેનું માથુ અંદર રહે અને બાકીનું શરીર બહાર રહે... લોકોને થાય છે કે આ સર્પ ભગવાનની વાણી સાંભળી ને કોઈ મહાત્મા બની ગયો છે... તેથી લોકો તેનો દુધ સાકર વગેરેથી અભિષેક કરે છે... દુધ સાકર વિગેરેને કારણે ત્યાં કિડીઓ ઉભરાય છે અને ધિમે ધિમે કરી એ સર્પને કરડવાનું ચાલુ કરે છે... પણ સર્પ તે દરેકને ક્ષમા આપતો જાય છે... જોત જોતામાં તેનું શરીર ચાળણી જેવું થઈ જાય છે... ત્યાં સુધી તેમાં પ્રાણ રહ્યા હોય છે અને ત્યારે પણ તે દરેક કિડીને ક્ષમા આપતો જાય છે અને પોતાને કારણે જે જે જીવો દુખી થયા હોય તે દરેકની ક્ષમા માંગતો જાય છે.. એમ કરતાં કરતાં તે પ્રાણ ત્યાગે છે અને દેવલોકમાં તે દેવ તરીકે ઉત્પન્ન થાય છે....
જોયું ક્ષમાએ એક ઝેરી અને હિસક સર્પને છેક દેવલોકમાં પહોચાડ્યો..
પ્રભુ મહાવીરે એ ગોવાળ ને પણ ક્ષમા આપી છે કે જેણે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા... પ્રભુ ધ્યાનમાં ઉભા હતાં ત્યારે પોતાના ઢોર પ્રભુ પાસે મુકી તે કામે ગયો... પ્રભુ ધ્યાનમાં હોય તેઓને બાહ્ય જગત વિષે કશુ ખ્યાલમાં નથી હોતું તો ગોવાળના ઢોર વિશે તો તેઓને શું ખબર હોય.. ગોવાળ કામ પતાવી આવ્યો ત્યારે ત્યાં ઢોર નોહતાં... તેથી એ શોધવા ખુબ રખડ્યો અને જ્યારે પાછો આવ્યો ત્યારે ઢોર ફરી ત્યાં જ બેઠા હતાં... ગોવાળને થયું કે આ તો મારી સાથે મજાક થઈ અને ગુસ્સામાં તેણે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા અને ખિલાનો જે ભાગ કાનની બહાર દેખાતો હતો તે ભાગ એણૅ કરવતથી કાપી નાંખ્યો... જેથી લોકોને ખબર ના પડે... ક્ષમા અને સમતાના મહાસાગર એવા પ્રભુએ તે ગોવાળને પણ માફ કર્યો... આ ખિલા જ્યારે કાઢવામાં આવ્યા ત્યારે ખુદ ભગવાનના મોએ થી એક તીણી ચિસ નિકળી ગયેલી....
એક પ્રસંગ ગોશાળા નામક સાધુનો પણ આવે છે જે પોતાને પ્રભુ તુલ્ય ગણાવતો અને જ્યારે પ્રભુ સામે આવ્યા ત્યારે પ્રભુને ભશ્મ કરવા તેણે તેજો લેશ્યા નામક વિધ્યાનો પ્રયોગ કરેલો.. પણ પ્રભુના પુણ્યબળે એ લેશ્યાએ પ્રભુની પ્રદક્ષિણા કરી ફરી ગોશાળાને જ બાળી નાખ્યો.. આવી લેશ્યા છોડનાર ગોશાળાને પણ પ્રભુએ ક્ષમા આપી...
આ તો થઈ પ્રભુ મહાવીરના જીવન પ્રસંગોની વાતો..
મુળ મુદ્દો એ છે કે માફી આપવાથી કે માંગવાથી કોઈ નાનુ નથી થઈ જતું... પણ હા... એ વ્યક્તિની મોટાઈ જરૂર દેખાઈ આવે છે... તમે માર્ક કર્યુ હશે કે ઘણીવાર માફી માંગવાથી કે આપવાથી ખુબ મોટા ઝઘડા ટળી જતાં હોય છે... દા.ત. તમે રસ્તે જતા હો અને કોઈનું સ્કુટર તમને અડી જાય ત્યારે તમારી ભુલ ના હોવા છતાં તમે સોરી કહી દેશો તો એવુ બને કે સામે વાળો ફક્ત સ્માઈલ આપીને નીકળી જાય અથવા એ પણ સોરી કહે... જો ત્યારે તમે એને દેખાડી દેવા બે-ચાર સુરતીઓ સંભળાવી દો તો કદાચ મોટો ઝઘડો પણ થઈ જાય... આવા તો અનેક પ્રસંગો તમારા જિવનમાં આવ્યા હશે... યાદ રાખશો વેરની સામે વેર વાળવું એ તાકાતની વાત છે, જ્યારે વેરની સામે માફી વાળવી એ તો જીગરની વાત છે... "ક્ષમા વિરસ્ય ભુષણમ" અમસ્તુ નથ કહેવાતું... ગાંધીજીએ પણ આ જ સંદેશો આપ્યો છે ને.. કોઈને માફી આપવાથી કે કોઈની પાસે માફી માંગવાથી સામે વાળી વ્યક્તીનો વેર ઓછો થઈ જાય છે અને આપણાં માટે પ્રેમ વધે છે...સામે વાળી વ્યક્તિને વાર કરવા દો તમે ફક્ત ક્ષમા આપો...
"ક્ષમાપના" વિશે તો ઘણું લખવા જેવું છે... ક્ષમા એ એક વજ્ર કરતાં પણ વધુ શક્તિશાળી હથિયાર છે... ક્ષમા નો એક ચમત્કાર એ છે કે એ ભલભલાને નમસ્કાર કરવા મજબુર કરે છે.. દુઃખી થવા માટેના ઘણા માર્ગો આ ક્ષમા બંધ કરી દે છે... પશ્ચાતાપ માનવીને પવિત્ર બનાવે છે અને ક્ષમા માનવીને મહાન બનાવે છે... જે અન્યને ક્ષમા આપી શકે છે એને દરેક જગ્યાએથી મા જેવુ વાત્સલ્ય મળૅ છે.... યાદ રાખજો કે શત્રુને આપવા જેવી કોઈ ઉતમ ચિજ હોય તો તે ક્ષમા છે... શત્રુ વેરથી વાળ્યો નહી વળે પણ ક્ષમાથી તરત નમી જશે...
ક્ષમામાં સંસ્કૃતી છે અને વેરમાં વિકૃતી છે.
ક્ષમા એ કમળ છે અને વેર એ વમળ છે.
ક્ષમામાં કબુલાત છે અને વેરમાં વકિલાત છે.
ક્ષમામાં મિલાપ છે અને વેરમાં વિલાપ છે.
ક્ષમામાં સર્જન છે અને વેરમાં વિસર્જન છે.
ક્રોધ એ જીવનને કરૂણ અંત તરફ લઈ જાય છે જ્યારે ક્ષમા એ દરેક પળમાં નવા જિવનનો ઉદય લાવે છે...
તો આવો મિત્રો.. આજે આપણે આપણા શત્રુઓને ક્ષમા આપીએ અને સામે તેમની ક્ષમા માંગીએ... "વેરથી વેર શમે નહી જગમાં.. પ્રેમથી પ્રેમ વધે જીવનમાં" એ ઉક્તીને અપનાવીએ...
ચાલો એકબીજાને કહીએ "મિચ્છામી દુકડ્ડ્મ"
=: સપન :=
૨૯.૦૮.૨૦૦૮
No comments:
Post a Comment