Search This Blog

Monday, August 24, 2009

આ શ્વાસ છે...


આ શ્વાસ છે..
જિવનની અંતીમ આશ છે.
પ્રાણ તણો જેમાં વાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
મૃત્યુ પહેલાંનો વિશ્વાસ છે.
અંત પહેલાની આશ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
એક અનંત આભાશ છે.
ફુલોમાં તે સુવાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરીર જેનું દાસ છે.
ધડકન માટે ખાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરણાઈનું જે સંગીત છે.
બાંસુરીનું જે ગીત છે.. આ શ્વાસ છે..

આ શ્વાસ છે..
પ્રણયનો જેમાં ફાગ છે.
પ્રેમનો જેમાં રાગ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
વિરહમાં તે આહ છે.
દુઃખમાં તે દાહ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે.
ક્યારેક તુટતો.. ક્યારેક ખુટતો આ વિશ્વાસ છે.
મૃત્યુની ક્ષીતીજ પર પથરાતો ઉજાસ છે.. આ શ્વાસ છે.

:: સપન ::
૧૫-૦૯-૨૦૦૮

તારા પર છવાઈ જવાની ઈચ્છા છે....



તારી આગોશમાં સુઈ જવાની ઈચ્છા છે
મને તારામાં સમાઈ જવાની ઈચ્છા છે.

વરસાદનું મોતી બનીશ તો કોઈ લઈ જાશે;
બુંદ બની સાગરમાં ખોવાઈ જવાની ઈચ્છા છે.

તારાથી અલગ મને કોઈ કરી નહી શકે...
તારો બની તારામાં વિણાઈ જવાની ઈચ્છા છે.

દિલથી નિકળેલા થોડા શબ્દો લખ્યા છે મે..
તારી શાયરી બની વંચાઈ જવાની ઈચ્છા છે.

દિલથી ધડકન સુધી.. યાદથી "સપન" સુધી..
હવે તો બસ તારા પર છવાઈ જવાની ઈચ્છા છે.

:: સપન ::
૦૮-૧૨-૨૦૦૮

Saturday, August 1, 2009

બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..


:: મુળ રચના ::

યાદ તારી નજર ધુંધળાવી જાય છે,
મારું વિશ્વ આમ જ ઝંખવાઈ જાય છે.
ચાલ,
આજે એક વ્યવહારીક રસ્તો વિચારી લઉં,
તું ના મળે ત્યાં સુધી તારી બાધા લઈ લઉ..!!!!!

અહીં નાયિકા તેનાં પ્રિયતમને અનહદ યાદ કરે છે…એનાં કરતાં એમ કહેવું વધુ સારું કે પ્રિયતમ બહુ યાદ આવી જાય છે.એટલી હદ સુધી કે એની યાદ આંખમાંથી આંસુ બનીને વહેવા લાગે છે અને ઘેલી પ્રેમિકા ને આખું વિશ્વ ફીકું -ફીકું લાગે છે,રંગવિહિન.કોઈ જ આશાનું કીરણ નથી એની સામે પ્રિયને મળવાનું.ઓહ..લાચારીની ચરમસીમા..!! જ્યાં જ્યાં જોવે છે ત્યાં એમની મુલાકાતોની મીઠી મધુરી યાદો જ ભરેલી છે.ભુલવું એ તો અશક્યતાનો બીજો છેડો છે જાણે.કોઈ જ રસ્તો ન સુઝતાં એ સાવ ગુમસુમ થઈને મનમાં ને મનમાં હિઝરાતી બેઠી છે.છેલ્લે દુનિયાદારી ના વિશ્વમાં પ્રવેશે છે અને અંતિમ ઉપાય તરીકે જાત સાથે એક સમાધાન કરે છે કે જેને ભુલવા અશક્ય હોય ત્યાં એક બાધા લઈ લેવા દે પ્રિયતમને કહે છે કે, ” તું નહી મળે ત્યાં સુધી તારી જ બાધા…!!”
મિત્રો, આ તો દિલની દુનિયા છે.ઇશ્વર પણ ચકરાઈ જાય આવી પ્રેમસભર બાધા સાંભળીને. એ ખુદ પણ નીચે આવવા માટે મજબૂર થઈ જાય આ પ્રેમઘેલાં વ્યવ્હારિક રસ્તાથી……પ્રેમથી કોઈ કામ અસંભવ નથી.

સ્નેહા-અક્ષિતારક.
૩૧,જુલાઈ.૨૦૦૯.
રાત્રિનાં ૯.૦૦

http://akshitarak.wordpress.com

=====================================================
:: ઉપરોક્ત રચના મારી આ રચનાની પ્રેરણા સ્રોત છે ::
:: પ્રિયતમ તરફથી નાયિકાને પ્રત્યુત્તર ::
=====================================================

અનંત સમયમાં શોધુ છું તને, પણ તુ તો ક્યાંય જડતી નથી…
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

ના મળુ તને એવી મારી ઈચ્છા નથી…
અરે, તારા વિના તો મારી કોઈ પૃચ્છા નથી…
ઓળખાણ મારી તું જ છે, એ તું ક્યાં જાણતી નથી ??
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

ઝંખવાઈ જતા આ વિશ્વને તું મારી નજરથી પણ ક્યારેક જો…
તારી યાદથી ધુંધવાઈ જતા મારા હ્રદયને પણ ક્યારેક જો…
વ્યથા ફક્ત તારા એકલી ના હ્રદયને જ પીડતી નથી…
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

:: સપન ::
૦૧.૦૮.૦૯
=====================================================
અહીં નાયીકાની બાધાની જ્યારે તેના પ્રિયતમને જાણ થાય છે ત્યારે તેનાં પ્રત્યુત્તર રૂપે
આ એ પ્રિયતમનો જવાબ છે.
=====================================================

ઉપરોક્ત રચના સ્નેહાજીની જાણ બહાર જ રચાઈ હતી અને અહીં પોસ્ટ થઈ હતી. પ્રત્યુત્તર માટે બનાવેલી આ રચનામાં જાણતાં-અજાણતાં એમના શબ્દો અને પંક્તિઓનો ઉપયોગ થઈ ગયો.

જેનું તેઓને મનદુઃખ થયુ છે. જે બદલ હું એમનો ક્ષમાપ્રાર્થી છું..

:: સપન ::
૦૪:૦૮:૦૯

Wednesday, July 29, 2009

મારે મોતમાં મહાલવું છે...


જીંદગીને ઘણી જીવી, હવે મારે મોતમાં મહાલવું છે.
દુનિયાને ઘણી દિઠી, હવે મારે ભિતરમાં ડોકાવું છે.

આ ઘટાટોપ છાયા થી મન ભરાઈ ગયું છે,
હવે મારે તન તડકામાં તપાવવું છે.
સ્વર્ગની આ સુખ સાહ્યબી સહન નથી થતી,
હવે મારે થોડુ નર્કનું દુઃખ વેઠવું છે.

ફુલોની સેજ પર ઉંઘ આવતી જ નથી,
હવે મારે કાંટા પર પથરાઈ જવું છે.
લોકો માટે ખુબ સારો બની રહ્યો છું હું,
હવે મારે થોડ બુરા બની જવું છે.

બર્ફની આ ઠંડકથી થીજી ગયો છું હું,
હવે મારે થોડું આગમાં શેકાઈ જવું છે.
સપન તારી કલમને હવે રોકી દે,
એને પણ હવે થોડું સુકાઈ જવું છે.

:: સપન ::
૧૧.૦૪.૨૦૦૯

Monday, June 15, 2009

આ મૌનના વાક્યો છે.


આ મૌનના વાક્યો છે અને કોરા કાગળના શબ્દો છે.
તમે સમજી શકો તો સમજો, આ સાદગીનો દબદબો છે.

આ ગીચતાની એકલતા છે, આ શાંત એવી ચંચળતા છે.
તમે સમજી શકો તો સમજો, આ કાચી ઉમરની પરિપક્વતા છે.

આ મુક્તિ ભરેલું બંધન છે, આ ખુલ્લી આંખનું સપન છે.
તમે સમજી શકો તો સમજો, આ બધું જ કહેતો દર્પણ છે.

આ સ્પષ્ટ સમજાતી ભ્રમણા છે કે ભ્રમીત કરતી સ્પષ્ટતા છે.
તમે સમજી શકો તો સમજો, આ ખોટી રીતે કહેવાયેલી સત્યતા છે.

આ શુદ્ધ નિર્મળ હેમ છે, આ ઈશ્વરની અદભુત દેન છે.
તમે સમજી શકો તો સમજો, આ મે તમને કરેલો પ્રેમ છે.

::સપન ::
૧૭.૧૨.૨૦૦૮

Sunday, May 17, 2009


લખું ઝાકળથી પત્ર, પણ તમે તડકામાં ખોલો તો.
કહું મૌનના વાક્યો, પણ તમે ઘોંઘાટમાં સાંભળો તો.

હું પ્રેમથી મનાઊં તમને, પણ તમે નફરતથી ના રૂઠો તો.
હું તમને તસ્વીરમાં સજાવું, પણ તમે રંગોમાં સમાઈ જાઓ તો.

હું તમને ફુલોથી શણગારૂં, પણ તમે સુગંધમાં પ્રસરો તો.
હું તમને આયનામાં ઊતારૂં, પણ તમે છબીમાં રહો તો.

હું તમને મારા પ્રાણ બનાઊં, પણ તમે મારી આત્મા બની જાઓ તો
હું તમને મારા સપનમાં સજાવું, પણ તમે મારા નયનમાં વસી જાઓ તો

:: સપન ::
૧૦.૦૫.૦૯

Thursday, March 12, 2009



એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
"સપન, માંગ... માંગ... માંગે તે આપું.."
મે કહ્યુ "તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો."
તરત જ એમણે કામ શરૂ કર્યું.....

ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી
અને ઝરણા પાસેથી ચંચળતા...
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો
અને હંસ પાસેથી સુંદરતા...
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો
અને ચંદ્ર પાસેથી શીતળતા....
મોર પાસેથી એમણે કળા લીધી
અને ફુલ પાસેથી કોમળતા....
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી
અને હિમાલય પાસેથી ઉત્તુંગતા....
પવન પાસેથી એમણે પ્રેમ લીધો
અને મદીરા પાસેથી મદહોશતા....
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી
અને ડાળીઓ પાસેથી લચકતા....
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ
અને બુલબુલ પાસેથી શરમાળતા...

આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી...
અને જુઓ... મિત્ર તરીકે તમે મને મળી ગયા....

=: સપન :=
૧૩.૦૩.૨૦૦૯