Search This Blog

Monday, August 18, 2008

આત્મ હત્યાની નિષ્ફળતાં

આપણા જગુભાઈ તો જીવનથી કંટાળી ગયા...

તનતોડ મહેનત કરી તેઓ પૈસા ઉભા કરે... એને પત્ની કિટી પાર્ટીમાં, છોકરો એની બેનપણીઓની ડેટ્સમાં અને છોકરી સાજ સણગારમાં પુરા કરી નાખે.... બચત થાય નહી અને તેમનો જીવ બળે.... જગુભાઈ પોતાના સંસારથી કંટાળી ગયા... અને વિચાર કર્યો આત્મહત્યા કરવાનો....

સૌથી પહેલા તેમણે કેરોસીનથી બળી મરવાનો વિચાર કર્યો.... અને ત્યાંથી એમની માટે ટ્રેજેડીભરી અને આપણી માટે કોમેડી ભરી કથાની શરુઆત થઈ....

કેરોસીનનો ડબ્બો લેવા એ જેવા ભંડકીયા(store room) નો દરવાજો ખોલ્યો કે તરત જ તેમની સામે એક ઉંદરડો દોડ્યો... અચાનક થયેલા ઉંદરના આક્રમણથી જગુભાઈ ડરી ગયા અને તેમના મોં માંથી એક તીણી ચીસ નિકળી ગઈ... થોડા સ્વસ્થ થયા એટલે એમણે ઉંદરને ગાળ આપી અને બોલ્યા : "કમ્બખ્ત ઉંદેરડા... કહીને એન્ટ્રી નથી પડાતી??? મને હાર્ટ એટેક આવી ગયો હોત તો!!!"

ભંડકીયામાં થોડા ખાખાખોળા કર્યા પણ એમને કેરોસીનનો ડબ્બો ના મળ્યો... એટલે તેઓ બહાર આવ્યા... ત્યાં અચાનક એમનું ધ્યાન ગયું કે કેરોસીનનો ડબ્બો તો બાથરૂમમાં પડ્યો છે... ચાલો છેવટે ડબ્બો મળ્યો... રસોડામાં જઈ એમણે એ ડબ્બો પોતાના ઉપર ઉંધો કરી દિધો... તો અંદરથી સાબુનું પાણી પડ્યુ... પત્યુ. ભિના થઈ ગયેલા એટલે એમના પર હવે આગ કામ કરવાની નહોતી... તેમણે કેરોસીનથી બળી મરવાનો વિચાર માંડી વાળ્યો....

પણ પાણી પરથી તેમને વિચાર આવ્યો કે અગર વિજળી ને તેઓ અડે તો મરી જાય... એટલે એમણે બાથરૂમમાં જઈ બાથટબ ભર્યુ અને તેમાં વાયરનો એક છેડો નાંખ્યો અને બીજો પ્લગમાં ભરાવ્યો... સ્વીચ ચાલું કરી જેવા તેઓ પાણીમાં બેસવા ગયા કે તરત લાઈટ જતી રહી... તેમને વિજળીનો નાનો એવો જાટકો પણ ના લાગ્યો... વિજ કંપનીને ગાળો દેતા તેઓ બાથટબની બાહાર નિકળ્યા અને આ રિતે મરવાનો વિચાર માંડી વાળ્યો...

પછી થયું કે પંખા પર લટકી ને મરી જાઊં.... વાઈફની સાડી લીધી પંખા પર બાંધી અને ગળે ફાંસો નાંખ્યો... જેવું પગ નિચેનું ટેબલ હટાવ્યુ કે તેઓ લટકી ગયા.. ગળા કરતાં ગાળ્યો મોટો થઈ ગયેલો એટલે જિવ પણ નિકળતાં નિકળતાં શરીરમાં જ લટકી ગયો... ઉપરથી પંખો જે કડામાં હતો તે લોખંડનો કડો પણ સડી ગયેલો... તેનાથી આ વજન સહન ના થયુ અને જગુભાઈની આત્મ હત્યાની સામે જાણે બળવો પોકારતો હોય તે રીતે બે ભાગમાં તુટી ગયો.. જગુભાઈએ પોતાના જ પગ નીચેથી સરકાવેલું ટેબલ આડુ પડ્યુ હતું... તેનાં પર જગુભાઈ, જગુભાઈ પર પંખો અને પંખા પર ઓલુ બળવાખોર કડુ પડ્યુ.... બિચારા જગુભાઈને ખુબ વાગ્યુ. પગ મોચવાયો, પાછળ ચોક્કસ જગ્યાએ ટેબલનો પાયો વાગ્યો અને માથા ઉપર પંખાએ લોહી કાઢ્યુ... પોતે હાડવૈદાના થોડા ઘણાં જાણકાર એટલે એમણે પગને ટાચકા ફોડી સીધો કર્યો... રૂમાલ લઈ માથાના ઘાવ પર બાંધ્યો.. પણ પાછળનો ઈલાજ ના થઈ શક્યો... મરવાની અડધી ઈચ્છા મરી પરવારી હતી....

ઉભા થયા અને કણસતાં કણસતાં સોફા પર બેઠા... સામે તુટેલો પંખો જોઈને એમણે કપાળ કુટ્યુ... "એક ઓર ખર્ચો વધ્યો... આ કરતાં તો હું રેલ્વે ટ્રેક પર સુઈ જાવ તો સારૂં." નવો આઈડીયા આવ્યો.. સાથે નવો જોમ આવ્યો... ઉભા થયાં અને તરતજ નજીકનાં રેલ્વે ટ્રેક પર ગયાં... થોડું એવું ટ્રેક પર ચાલી જલદી કોઈ આવે જાય નહી એવી જગ્યાએ ઉભા રહી ટ્રેનની રાહ જોવા લાગ્યા... થોડી જ વારમાં નજીકના સિગ્નલ પર ગ્રીન લાઈટ જોઈ અને દુર થી આવતી ફાસ્ટ ટ્રેન દેખાણી.. એ સાથે જ તેઓ ટ્રેક પર જઈને લાંબા થઈ ગયાં... ઝડપથી નજીક આવતી ટ્રેન જોઈને તેમના ધબકારા પણ વધવા લાગ્યા... ટ્રેન નજીક આવતી જાય છે... ૫૦૦ ફુટ.. ૪૦૦ ફુટ.. ૩૦૦ ફુટ.. ૨૦૦ ફુટ... ૧૦૦ ફુટ... અરે આ શું?? ટ્રેન માંડ ૫૦ ફુટ દુર હશે ને ટ્રેનનો ટ્રેક ચેન્જ થઈ ગયો... ટ્રેન ધબધબાટી બોલાવતી બાજુના ટ્રેક પરથી પસાર થઈ ગઈ અને જગુભાઈ એને આંખ ફાડી ને જોતા જ રહ્યા ને બોલ્યા : "હાય રે કિસ્મત!!! બસ હવે તો એક જ રસ્તો છે.. નદી માં ઝંપલાવી દઊં." ટ્રેક પર નજીકમાં નદી હતી એટલે ત્યાં ગયા ને તેમણે પડતું મુક્યુ.. પણ અહી પણ તેમની કિસ્મતે તેમનો સાથ છોડી દિધો... નદીમાં પાણી ફક્ત કમર સુધીનું જ ઉંડું હતુ... તેમને વાગ્યુ તો નહી પણ તેઓ ડુબ્યા પણ નહી... છેવટે એ વિચાર પણ માંડી વાળી ઘર તરફ ચાલવા માંડ્યુ...

ઘરે જઈને તેઓ વાડામાં ગયાં ને ત્યાં એમણે કુવો જોયો... એમને થયુ કે "આ વિચાર મને પહેલાં કેમ યાદ ના અવ્યો"... દોડી ને કુવામાં કુદી પડ્યાં... પડતાં પડતાં ધ્યાન ગયું કે કુવામાં તો પાણી જ નથી...

ત્યાર બાદ તેમણે પોતાને હોસ્પીટના ખાટલામાં પુરા શરીર પર પાટા પીંડી સાથે જોયા.. સામે બેઠેલા બૈરી છોકરાએ એમને પુછ્યુ કે કુવામાં કેમ કરતાં પડ્યા?? ત્યારે એમણે આપ વિતિ કહી... આ સાંભળી તેમનાં છોકરાએ તેમને તતડાવી નાંખ્યા... "શું બાપા આટલી હદે નિષ્ફળતાં હોય???"


-: સપન :-
૦૮.૦૮.૦૮

Wednesday, July 30, 2008

ત્રાસવાદ અંગે

મિત્રો,

પહેલાં નીચેના મુદ્દાઓ ધ્યાનથી વંચો...

(૧) હું જ્યાં રહું છું એ સુરત નો ગોપીપુરા એરીયા ચારે તરફથી મુસલમાન અને વચ્ચે જૈન તથા હિન્દુ વસ્તી ધરાવતો એરીયા છે. આમ છતાં પણ અહીના લોકો આ એરીયાને સુરતનો safest અરીયા કહે છે. આ જ એરીયામા‍ ૬૦ જેટલા જૈન દેરાસરો, હિન્દુ મિલન મંદીર જેવા ઘણાં મંદીરો અને મુસલીમ મસ્ઝીદો આવી છે. દરેક પ્રજા સાથે હળી મળીને રહે છે....

(૨) નજીકમાં જ આવેલું આલિપોર ગામ, જ્યાં એક પણ જૈન ઘર નથી, ફક્ત મુસલમાનો નું તે ગામ છે, છતાં એ જૈનોના પવિત્ર તિર્થ સ્થાનોમા‍ આવે છે. અને આ તિર્થને મુસલમાનો પોતાની પાક મસ્ઝીદ જેટલું જ સાચવે છે.

(૩) હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ "આમીર" અગર તમે જોઈ હોય તો તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મમા‍ મુસ્લીમ આતંકવાદને કેવો જોરદાર તમાચો મારવામા‍ આવ્યો છે, એ પણ એક મુસલમાન દ્વારા જ.....

(૪) મણીરત્નમની બોમ્બે ફીલ્મ રાજનૈતીક ત્રાસવાદ વિશે ઘણું કહી જાય છે... એ તો તમે જાણો જ છો...

(૫) કાશ્મીરના મુસલમાનો આજે પણ ભારતમા‍ જ રહેવા માંગે છે...

(૬) ભારતના મુસલમાનો પોતાને ભારતીય કહેવાનું ગર્વ ધરાવે છે....

(૭) સુરતના એવા વિસ્તારોમાંથી બોમ્બ મળી આવ્યા છે જ્યાં મુસલમાન દારૂગોળા સાથે પગ મુકતાં પણ ગભરાય... તો શું એ અનુમાન ના મુકી શકાય કે આ બોમ્બ કોઈ હિન્દુએ મુક્યા હોય એવુ પણ બને !!

(૮) હાલમા‍ જ મસ્ઝીદોમા‍ બોમ્બ ફુટવા એ ઘટના કઈ તરફ ઈશારો કરે છે??

ઉપરોક્ત મુદ્દાઓ પરથી હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક મુસલમાન એ ત્રાસવાદી હોય એ જરૂરી નથી... તો દરેક હિન્દુ એ સીધો દોર હોય એ પણ જરૂરી નથી.... ત્રાસવાદ અને મુસ્લીમ ધર્મને કંઈ લેવા દેવા જ નથી.

હું એમ નથી કહેવા માંગતો કે ત્રાસવાદી હિન્દુ છે, મુસ્લમાન છે, સીખ છે..... પણ હું કહેવા માંગુ છુ કે ત્રાસવાદ એ ફક્ત હિંસક મગજની જ ઉપજ છે.

હવે આનાથી બચવાના ઉપાય....

સૌથી પહેલા તમારામા‍ દેશદાઝ અને માનવપ્રેમ હોવો જરૂરી છે. આ માટે તમારે ગમે તે સંજોગ માટે તૈયાર રહેવુ પડશે.. ગમે તે સમય સંજોગોમાં તમારા કદમ પાછા નહી પડવા જોઈએ... અગર તમારા ધ્યાનમા‍ કોઈ શંકાશીલ વ્યક્તી પ્રવૃત્તી, કે વસ્તુ ધ્યાનમાં આવે તો તુરંત જ પોલીસ ને જાણ કરો... ત્યારે જો તમે એમ વિચાર કરશો કે "પોલીસ મને હેરાન કરી નાખશે... મને જ આ બાબતે પહેલા જાત જાતની પુછ પરછ કરશે.. એવા બગાડવા માટે આપણી પાસે ક્યાં ટાઈમ છે?" તો યાદ રાખશો કે એક પણ બોમ્બ ફુટ્યો અથવા એક પણ મોત થયું તો...સૌથી પહેલા અને સૌથી મોટા ગુન્હેગાર આપ જ કહેવાશો...

સુરતની પ્રજાને આ બદલ દરેક જણે ધન્યવાદ આપ્યા છે કે જેમણે પોતાની જાનની પરવા વગર દરેક શન્કાશીલ વાતની જાણ પોલીસ ને કરી છે. એ જાણીને તમને નવાઈ લાગશે કે જાણકારી આપનાર કોઈને પણ પોલીસે હેરાન નથી કરી.... કે નથી તેમનો વધારે ટાઈમ બગાડ્યો... વરાછા, ત્રિકમ નગરમાં રહેતા ગીતાબેનને તો એક દિવસ રહેવા માટે પાંચ લાખની ઓફર અને ધમકી મળ્યા બાદ પણ તેમણે તેમનો સામનો કર્યો છે.....

આ જ બહાદુરી અગર આપણે સૌ કેળવી લેશું તો ત્રાસવાદીઓની હિંમત નથી કે આપણા દેશને જરા સરખું પણ નુકસાન કરી શકે....

બીજી વાત ખાસ કે ઝુનુન રાખો પરંતુ એટલું નહી કે કોઈ પણ પોતાના ધર્મ કે જાતી વિશે કાંઈ પણ બોલે તો છરા ચપ્પા લઈને ગલીઓ પર ઉતરી આવવું... બોલનાર તો બોલીને છટકી જશે અને આપણું ઝુનુન આપણા જ નિર્દોષભાઈઓનો ભોગ લેશે...

આવું તો ઘણું લખવા લાયક છે... સમયના અભાવે અહિં જ વિરમું છું....

આભાર સહ....

સપન...

Wednesday, July 9, 2008

તારા સપન જોઊ તો જાગતાં વર્ષોના વરસ લાગે
તને ભુલવા માટે તો જનમો ના જનમ લાગે

એક દીન તારે મને મળવુ જ પડશે, એ યાદ રાખજે
આ ઈન્તઝાર પુરો થતા, જનમો ના જનમ લાગે..

=:=: સપન :=:=
તા. ૦૯.૦૭.૨૦૦૮

Friday, July 4, 2008

એક અવળચંડો દીવસ

આપણા જગુભાઈને જેમ જેમ શિયાળો જામે તેમ તેમ વહેલા ઉઠવાનો કંટાળો આવે છે. પણ તે દિવસ તેમના નસીબ નો સૌથી વધુ અવળચંડો દિવસ હતો..

જગુભાઈનો છાપાવાળો અમસ્તો છેક આઠ વાગે આવે પણ તે દિવસે ન જાણે કેમ તે વહેલો સવારે સાડા છ એ પ્રગટ થઈ ગયો. ભાઈ પહેલા માળે રહેતા હતા એટલે છાપાવાળો કાયમ નીચેથી જ છાપુ ઘા કરતો જે સિધુ જગુભાઈ ના બેડરૂમમા પડતું. તે દિવસે છાપુ પંખામા અફળાયા પછી સિધુ ભાઈના નાક સાથે ટિંચાયુ. સાથે પંખાની ધુળનો પણ ભાઈ પર વરસાદ થયો. ભાઈ બિચારા નાક ચોળતા અને ઉંહકારા કરતા ઉભા થયા ફરી સુવાની કોશીસ કરી પણ ૧૦ મિનિટ આળોટ્યા બાદ કંટાળીને ઉભા થયા. ઉભા થતાં વેત હાથમા છાપુ લીધું અને વાંચવાનું શરૂ કર્યુ.

બજારમાં ભરબપોરે ચોરી.. દુકાનમાંથી ૨૦ રૂ. નિ રોકડ ગાયબ
ગામમાં હિરાના બે વેપારીએ અઢિસો રૂપિયામાં ઉઠમણું કર્યુ.
સીમના નેતાએ કુતરાને બચકું ભર્યુ.. (બીચારો કુતરો)
ભગવાન શ્રી રામને હેરાન કરવા બદલ ગ્રામ પંચાયતમાં રાવણ ઉપર કેસ ચલાવાસે

આવા આઘાત જનક સમાચાર વાંચીને ભાઈ કંટાળ્યા. છેવટે ઉભા થયા અને ભાભીને બુમ પાડી...

"સાંભળે છે.. ચા મુક.. તલપ ઉપડી છે"

સામે ભાભી બરાડ્યા..

" શું ખાક ચા મુકું? બે દિવસથી બુમ પાડું છું, ઓફીસેથી આવો ત્યારે ચા લેતા આવજો પણ મારૂ સાંભળે છે કોણ? હવે જાવ અને દુધ અને ચા બન્ને લેતા આવો. જાવ."

બિચારા જગુભાઈ. મુડ મરી ગયો. પણ થાય શું? ચા લેવા નજીકની દુકાને ગયા. મનગમતી "શિયાળ બિલ્લી" ચા ના મળી તેથી કોઈક ભળતી ચા લેવી પડી. ડેરી એ દુધ લેવા ગયા તો ડેરી વાળો બલ્યો.. "આજ થી દુધમાં એક રૂપીયાનો વધારો થાય છે ".. ભાઈ મનમા ને મનમા મોંઘવારી વીશે બળાપો કાઢ્વા લાગ્યા.

ઘરે જઈ ભાભીને ચા - દુધ આપ્યા. ભાભીએ ચા બનાવી આપી. ચા ના પહેલા ઘુટડાએ જ ભાઈની જીભ ચોટી ગઈ. ભુલમા ગરમ ગરમ પીવાઈ ગઈ. સાથે એ પણ ખ્યાલ આવ્યો કે ચા મા ખાંડ નથી. એક મીનિટ માટે ભાઈને થયું કપ રકાબી છૂટા ફેંકે પણ પછી ગુસ્સા ઉપર કાબૂ મેળવી, નહવા જતા રહ્યા. માથામાં શેમ્પુ લગાડ્યુ ત્યાં પાણી જતુ રહ્યુ અને ફુવારો બંધ થઈ ગયો. ભાઈએ છેલ્લે ટુવાલથી માથુ લુછી ચલાવવું પડ્યુ.

બાહર આવી ધોયેલું પેન્ટ ચડાવ્યુ તો પેન્ટની ઝીપ બગડેલી નિકળી. બાકીના પેન્ટ ઈસ્ત્રી વગરના હતા એટલે તેમને આગલા દિવસના પેન્ટથી જ ચલાવવું પડ્યુ. નોકરીએ જવા પારકીંગમાંથી સ્કુટર કાઢી થોડા આગળ વધ્યા હશે ત્યાં તો પેટ્રોલ ખલાસ થઈ ગયું. અડધો કિલોમિટર સ્કુટરને ધક્કો માર્યો અને પેટ્રોલ પંપ પર પહોચ્યા. પેટ્રોલ પુરાવી થોડા આગળ વધ્યા ત્યાં તો પંચર પડ્યુ. નજીકમાં જ ગેરેજ દેખાણું એટલે ત્યાં પંચર બનાવવા સ્કુટર મુક્યુ. ગેરેજ નો માલિક કહે કે આજે માણસ મોડો આવશે એટલે સ્કુટર મુકી જવું પડશે. હવે નોકરીએ જવાનું ખરેખર મોડુ થતું હતું એટલે તેમણૅ સ્કુટર મુકી બસ પકડી.

ગામમાં રહેતા જગુભાઈ શહેરની ઓફીસમાં મહેતાજીની નોકરી કરતાં. પણ ગામડામાં પણ તેઓ ખાસ્સુ ઠાઠવાળુ જીવન જીવતા. તે દિવસે ખીચોખીચ ભરેલી બસમાં તેમણે સારી એવી હાડમારી સહન કરવી પડી. બસે એમને છેક શહેરના નાકે આવેલ બસ ડેપો પર ઉતર્યા બાદ તેમણે ઓફીસ પહોંચવા રીક્ષા પકડી. જ્યારે ઓફીસ પાસે ઉતર્યા ત્યારે ખબર પડી કે તેમનું પાકીટ તો બસમા જ કોઈએ તફડાવી લીધુ હતું. સવાર સવારમાં બોણીનો ટાઈમ હતો એટલે રીક્ષાવાળાની બે ચાર સુરતી ગાળો સાંભળવી પડી.

કાયમ ઓફીસે સવારે નવ વાગે આવી જનાર જગુભાઈ આજે છેક સાડા દસ વાગે આવયા. એ સામે એમના બોસ જે સવારે અગ્યાર પહેલા ઓફીસમાં ક્યારેય નથી દેખાયા તે આજે સવારે નવ વાગ્યાથી આવી જગુભાઈની રાહ જોતા બેઠા હતા. એટલે બોસનો મિજાજ પણ જગુભાઈ ઉપર બગડ્યો. તેમણે પણ જગુભાઈની એક ના સુની.. બોસ બરાડ્યા..

"હું ખાસ આજે એ જ જોવા વહેલો આવેલો કે કોણ મારી ગેરહાજરીનો લાભ ઉઠાવી મોડા આવે છે. મને લાગે છે તમે તો કાયમ મારા આગમનની દસ મિનિટ પહેલા જ આવતા હશો. તમને લોકોને આમ મોડા આવવાનો પગાર આપુ છું? કોઈ ભાન પડે છે કે નહી કે પછી આમ હરામનો જ પગાર ખાવો છે. જાવ તમારા ટેબલ પર ૨૫-૩૦ ફાઈલો મુકી છે એ ચેક કરી એનો હિસાબ મને બપોરે બે વાગ્યા સુધીમાં આપી દો. ત્યાં સુધી લંચ ના પાડતા."

બિચારા જગુભાઈ! નોકરીની બિકે બધુ સહન કરી ગયા. પણ સવારથી દિવસ ખરાબ ગયો હતો એટલે ફાઈલોના કામમાં પણ તેમનાથી વેઠ ઉતરી ગઈ. ફાઈલો બોસને મોકલાવી ટીફીન ખોલ્યું તો તેમાં પણ ભાભી એ ભુલથી શાક-દાળ ખારા કરી નાખ્યા'તાં. ખારા મન સાથે તેમણે પેટની ભૂખ મટાડી ત્યાં બોસે બાહર આવી તેમને ફાઈલોના વેઠ બતાવી ગુસ્સો ઉતાર્યો. ઉપરથી બીજી ઘણી ફાઈલો પકડાવી કહ્યુ કે જ્યાં સુધી કામના પતે ત્યાં સુધી ઘરે જવાનું નામ ના લેતાં. બોસનો ગરમ મિજાજ જોઈ તે કશું બોલી શક્યા નહી. જેમ તેમ કરી દિવસ પુરો કર્યો. પણ કાયમ સાંજે પાંચ વાગે ઓફીસ છોડી જતા જગુભાઈ આજે સાડા છ સુધી નિકળી નોહ્તા શક્યા. અને નિકળતી ફેરી યાદ આવ્યુ કે પાકીટ તો બસમાં જ મરાઈ ગયેલું એટલે તમણે બોસ પાસે બસ્સો રૂપિયા ઉપાડ માંગ્યો. બોસે મો કટાણું કરી બસ્સો તો આપ્યા પણ સાથે સંભળાવ્યુ પણ ખરૂં...

"ટાઈમે ઓફીસ આવતા હો અને સરખુ કામ કરતાં હો તો પુરો પગાર ઉપાડ તરીકે આપું.. હવે કાલથી ટાઈમ પર આવજો.. જાવ"

બાહર નીકળી રીક્ષામાં બેઠા. ડેપો જઈ બસ પકડી અને ગામમાં ઉતર્યા ત્યારે યાદ આવ્યુ કે સ્કુટર તો પાછળ ભુલી આવ્યા. ફરી પાછા રીક્ષા પકડી ગેરેજ પર ગયા અને ત્યાંથી સ્કુટર લઈ ઘર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્કુટર રીઝર્વમાં પડ્યુ ત્યારે ધ્યાન ગયું કે ગેરેજ વાળાએ પેટ્રોલ કાઢી લિધુ છે. જગુભાઈ ને થયું હાશ હવે ઘરે ગયા બાદ કોઈ ઉપાધી નહી આવે. પણ...

ઘરે પહોંચી ઘરના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કર્યો ત્યાં સામે સોફા પર સુંદર વસ્ત્રોમાં એકદમ ખુબસુરત રીતે તૈયાર થઈ અને મોઢુ ચડાવીને બેઠેલા ભાભી દેખાણાં. ભાભીને એકદમ તૈયાર થયેલા જોઈ એક મીનીટ માટે તો જગુભાઈ ને આશ્ચર્ય થયું પણ બીજી મિનીટે આંચકો પણ લાગ્યો. ભાભી બરાડ્યા....

"તમને મારા માટે ટાઈમ જ નથી. આજે આપણા જીવનનો આટલો મોટો દિવસ છે તમને મોડા આવતાં જરાય શરમ આવે છે. આજે આપણાં લગ્ન જીવનને પાંચ વરસ પુરા થયાં. કાલે જ કહ્યુ હતુ ને કે વહેલા આવજો... પિક્ચર જોવા જાવું છે... વહેલા આવવાનું તો દુર રહ્યુ ટાઈમ સર પણ ના આવ્યા કે બાહર ફરવા તો જવાય.. છેક નવ વાગે આવ્યા... હવે શું ખાક ફરવા જવાશે? મારા માટે કશું લાવ્યા કે પછી ખાલી હાથ હલાવતા આવ્યા?"

જગુભાઈ શું જવાબ આપે? બિચારા તતફફ કરવા માંડ્યા એટલે ભાભી વધુ અકળાયા. "આખા ગામમાં બધા મિત્રોને ગિફ્ટ આપતા ફરો છો તે તમને હું જ વધારાની લાગી?" અને ભાભી રડવા લાગ્યા... આ જોઈ જગુભાઈ નો પણ પારો ખસ્યો.. આખા દિવસ નો ગુસ્સો ભેગો કરેલો તે હવે બાહર આવવા લાગ્યો..
"તને તો બસ જયારે હોય ત્યારે નાની નાની વાતો માં રડવાનું જ સુજે છે.. આખા દિવસનો ભૂખ્યો છું.. જમવાનું તો પુછ.."

"શું ખાક જમવાનું? કાલે તમે જ તો કહેતા હતા કે ફિલમ જોઈને બાહર જમશું તમારે રવાડે મારી ફીલમ પણ ગઈ અને ભુખ્યા રહેવાનો વારો આવ્યો તે નફામાં... કશું જમવાનું નથી બનાવ્યું.. ચુપચાપ સુકો નાસ્તો અને ચા જમી લ્યો.. મારી તો મેરેજ એનેવર્સરીમાં ધુળ પડી.."

આ સાંભળી જગુભાઈ ના ગુસ્સાના ફટાકડાનું સુરસુરીયુ થઈ ગયું. એક તો સખત ભુખ ઉપરથી સુકો નાસ્તો ખાઈ ને સુવાનું એમા ઘરવાળી પણ રીસાઈ ને બેઠી. જેમ તેમ પેટ ભરી સુવા માટે બેડરૂમના પલંગમાં પડતુ મુક્યું ત્યાં માથે પંખાને જોઈ ને સવારના છાપાની નાક સાથેની ટક્કર યાદ આવી ગઈ અને સાથે યાદ આવી ગઈ આખા દિવસની ઘટમાળ... એ યાદો આવતાં જ જગુભાઈ ડરી ગયા અને ઓશીકુ જમીન પર નાખી સુઈ ગયા..


=:=:= સપન =:=:=
(તા. ૦૯-૦૧-૨૦૦૮)

Friday, May 30, 2008

મને ડંખે....

Photobucket


તુજ વિરહની વેદના મને ડંખે.
તુજ યાદની સંવેદના મને ડંખે.

પ્રેમનું ગણીત, દિલનો દાખલો,
આ આંસુના સરવાળા મને ડંખે.

ઉંઘની બાદબાકી, ગમનો ગુણાકાર,
આ ભાવનાના ભાગાકાર મને ડંખે.

પુનમની રાત, છે મિલન યાદ?
આ અમાસની એકલતા મને ડંખે.

આંખમા આવ્યા, દિલમાં સમાવ્યા,
સપનના કટકા મને ડંખે.

=:=:=: સપન :=:=:=
તા. ૩૧.૦૫.૨૦૦૮

ચાલતાં ચાલતાં ભર રસ્તે....

Photobucket


ચાલતાં ચાલતાં ભર રસ્તે કોઇ મળી ગયુ હતું.
અચાનક આ દિલમાં કોઈ સમાઈ ગયુ હતું.

ઝુકેલી આંખોનું આ દિલ કાયર થઈ ગયુ હતું.
નજર થી નજર મળી આ દિલ ઘાયલ થઈ ગયુ હતું.

પહેલા મિલનમાં જ એને પણ પ્રેમ થઈ ગયો હતો.
ઈશારામાં એકરાર થયો, આ દિલ ઝુમી ગયુ હતું.

એક નાનકડી વાતે એ રીસાઈ ગયો હતો.
વિરહના ડરથી આ દિલ ગભરાઈ ગયુ હતું.

રાહ જોતી રહી અશ્રુભીની આંખો,
એ ના આવ્યો ને આ સપન પુરૂ થઈ ગયુ હતું.

=:=:= સપન =:=:=
તા. ૩૧.૦૫.૨૦૦૮

Thursday, May 8, 2008




હ્રદય નાં ભાવો ને શબ્દ આપવાનો પ્રયાસ ઘણો કર્યો
પણ શબ્દો ની મયા જાળમાં અટવાઈ ને હું રહી ગયો.

કયા ભાવ ને આપું કયો શબ્દ? એ શોધતો રહ્યો
ત્યાં તો ખુદ કવિતાએ તેનો હલ કરી આપ્યો

ઉગતા સુરજ સાથે મનમાં પ્રગટે છે ભક્તિ
રંગ પ્રાર્થનાનો એમાં એણે ભરી આપ્યો

માની આંખો એ નિહાળ્યો ચહેરો મારો
મમતાનો અર્થ એણે કરી આપ્યો

પપ્પા મને પ્રેમથી ભેટ્યા જ્યારે
પીતા નો મર્મ એણે મને સમજાવી આપ્યો

કર્યા જ્યારે દાદા દાદીની તસ્વીરને વંદન
"વિવેક"નો અર્થ એણે મને પમાડી આપ્યો

મિત્રો સાથે જ્યારે મે દિવસ ગુજાર્યો
દોસ્તીનો દિદાર એણે કરાવી આપ્યો

સમી સાંજે ફરતો રહ્યો એ રમણી સાથે
પ્રેમનો સાર એમા એણે સુણાવી આપ્યો

બસ થાકી ગયો અને ઘરે પહોંચ્યો ત્યારે
બહેનના ટહુકાએ એ થાક ઉતારી આપ્યો

પલંગમા પડ્યો પડ્યો રાહ જોઈ નિંદરની
ત્યાં "સપન" નો સ્વાદ ચખાડી આપ્યો

=:=:=: સપન :=:=:=
કાવ્ય બીજ : વિવેક નાણાવટી