Search This Blog

Friday, July 4, 2008

એક અવળચંડો દીવસ

આપણા જગુભાઈને જેમ જેમ શિયાળો જામે તેમ તેમ વહેલા ઉઠવાનો કંટાળો આવે છે. પણ તે દિવસ તેમના નસીબ નો સૌથી વધુ અવળચંડો દિવસ હતો..

જગુભાઈનો છાપાવાળો અમસ્તો છેક આઠ વાગે આવે પણ તે દિવસે ન જાણે કેમ તે વહેલો સવારે સાડા છ એ પ્રગટ થઈ ગયો. ભાઈ પહેલા માળે રહેતા હતા એટલે છાપાવાળો કાયમ નીચેથી જ છાપુ ઘા કરતો જે સિધુ જગુભાઈ ના બેડરૂમમા પડતું. તે દિવસે છાપુ પંખામા અફળાયા પછી સિધુ ભાઈના નાક સાથે ટિંચાયુ. સાથે પંખાની ધુળનો પણ ભાઈ પર વરસાદ થયો. ભાઈ બિચારા નાક ચોળતા અને ઉંહકારા કરતા ઉભા થયા ફરી સુવાની કોશીસ કરી પણ ૧૦ મિનિટ આળોટ્યા બાદ કંટાળીને ઉભા થયા. ઉભા થતાં વેત હાથમા છાપુ લીધું અને વાંચવાનું શરૂ કર્યુ.

બજારમાં ભરબપોરે ચોરી.. દુકાનમાંથી ૨૦ રૂ. નિ રોકડ ગાયબ
ગામમાં હિરાના બે વેપારીએ અઢિસો રૂપિયામાં ઉઠમણું કર્યુ.
સીમના નેતાએ કુતરાને બચકું ભર્યુ.. (બીચારો કુતરો)
ભગવાન શ્રી રામને હેરાન કરવા બદલ ગ્રામ પંચાયતમાં રાવણ ઉપર કેસ ચલાવાસે

આવા આઘાત જનક સમાચાર વાંચીને ભાઈ કંટાળ્યા. છેવટે ઉભા થયા અને ભાભીને બુમ પાડી...

"સાંભળે છે.. ચા મુક.. તલપ ઉપડી છે"

સામે ભાભી બરાડ્યા..

" શું ખાક ચા મુકું? બે દિવસથી બુમ પાડું છું, ઓફીસેથી આવો ત્યારે ચા લેતા આવજો પણ મારૂ સાંભળે છે કોણ? હવે જાવ અને દુધ અને ચા બન્ને લેતા આવો. જાવ."

બિચારા જગુભાઈ. મુડ મરી ગયો. પણ થાય શું? ચા લેવા નજીકની દુકાને ગયા. મનગમતી "શિયાળ બિલ્લી" ચા ના મળી તેથી કોઈક ભળતી ચા લેવી પડી. ડેરી એ દુધ લેવા ગયા તો ડેરી વાળો બલ્યો.. "આજ થી દુધમાં એક રૂપીયાનો વધારો થાય છે ".. ભાઈ મનમા ને મનમા મોંઘવારી વીશે બળાપો કાઢ્વા લાગ્યા.

ઘરે જઈ ભાભીને ચા - દુધ આપ્યા. ભાભીએ ચા બનાવી આપી. ચા ના પહેલા ઘુટડાએ જ ભાઈની જીભ ચોટી ગઈ. ભુલમા ગરમ ગરમ પીવાઈ ગઈ. સાથે એ પણ ખ્યાલ આવ્યો કે ચા મા ખાંડ નથી. એક મીનિટ માટે ભાઈને થયું કપ રકાબી છૂટા ફેંકે પણ પછી ગુસ્સા ઉપર કાબૂ મેળવી, નહવા જતા રહ્યા. માથામાં શેમ્પુ લગાડ્યુ ત્યાં પાણી જતુ રહ્યુ અને ફુવારો બંધ થઈ ગયો. ભાઈએ છેલ્લે ટુવાલથી માથુ લુછી ચલાવવું પડ્યુ.

બાહર આવી ધોયેલું પેન્ટ ચડાવ્યુ તો પેન્ટની ઝીપ બગડેલી નિકળી. બાકીના પેન્ટ ઈસ્ત્રી વગરના હતા એટલે તેમને આગલા દિવસના પેન્ટથી જ ચલાવવું પડ્યુ. નોકરીએ જવા પારકીંગમાંથી સ્કુટર કાઢી થોડા આગળ વધ્યા હશે ત્યાં તો પેટ્રોલ ખલાસ થઈ ગયું. અડધો કિલોમિટર સ્કુટરને ધક્કો માર્યો અને પેટ્રોલ પંપ પર પહોચ્યા. પેટ્રોલ પુરાવી થોડા આગળ વધ્યા ત્યાં તો પંચર પડ્યુ. નજીકમાં જ ગેરેજ દેખાણું એટલે ત્યાં પંચર બનાવવા સ્કુટર મુક્યુ. ગેરેજ નો માલિક કહે કે આજે માણસ મોડો આવશે એટલે સ્કુટર મુકી જવું પડશે. હવે નોકરીએ જવાનું ખરેખર મોડુ થતું હતું એટલે તેમણૅ સ્કુટર મુકી બસ પકડી.

ગામમાં રહેતા જગુભાઈ શહેરની ઓફીસમાં મહેતાજીની નોકરી કરતાં. પણ ગામડામાં પણ તેઓ ખાસ્સુ ઠાઠવાળુ જીવન જીવતા. તે દિવસે ખીચોખીચ ભરેલી બસમાં તેમણે સારી એવી હાડમારી સહન કરવી પડી. બસે એમને છેક શહેરના નાકે આવેલ બસ ડેપો પર ઉતર્યા બાદ તેમણે ઓફીસ પહોંચવા રીક્ષા પકડી. જ્યારે ઓફીસ પાસે ઉતર્યા ત્યારે ખબર પડી કે તેમનું પાકીટ તો બસમા જ કોઈએ તફડાવી લીધુ હતું. સવાર સવારમાં બોણીનો ટાઈમ હતો એટલે રીક્ષાવાળાની બે ચાર સુરતી ગાળો સાંભળવી પડી.

કાયમ ઓફીસે સવારે નવ વાગે આવી જનાર જગુભાઈ આજે છેક સાડા દસ વાગે આવયા. એ સામે એમના બોસ જે સવારે અગ્યાર પહેલા ઓફીસમાં ક્યારેય નથી દેખાયા તે આજે સવારે નવ વાગ્યાથી આવી જગુભાઈની રાહ જોતા બેઠા હતા. એટલે બોસનો મિજાજ પણ જગુભાઈ ઉપર બગડ્યો. તેમણે પણ જગુભાઈની એક ના સુની.. બોસ બરાડ્યા..

"હું ખાસ આજે એ જ જોવા વહેલો આવેલો કે કોણ મારી ગેરહાજરીનો લાભ ઉઠાવી મોડા આવે છે. મને લાગે છે તમે તો કાયમ મારા આગમનની દસ મિનિટ પહેલા જ આવતા હશો. તમને લોકોને આમ મોડા આવવાનો પગાર આપુ છું? કોઈ ભાન પડે છે કે નહી કે પછી આમ હરામનો જ પગાર ખાવો છે. જાવ તમારા ટેબલ પર ૨૫-૩૦ ફાઈલો મુકી છે એ ચેક કરી એનો હિસાબ મને બપોરે બે વાગ્યા સુધીમાં આપી દો. ત્યાં સુધી લંચ ના પાડતા."

બિચારા જગુભાઈ! નોકરીની બિકે બધુ સહન કરી ગયા. પણ સવારથી દિવસ ખરાબ ગયો હતો એટલે ફાઈલોના કામમાં પણ તેમનાથી વેઠ ઉતરી ગઈ. ફાઈલો બોસને મોકલાવી ટીફીન ખોલ્યું તો તેમાં પણ ભાભી એ ભુલથી શાક-દાળ ખારા કરી નાખ્યા'તાં. ખારા મન સાથે તેમણે પેટની ભૂખ મટાડી ત્યાં બોસે બાહર આવી તેમને ફાઈલોના વેઠ બતાવી ગુસ્સો ઉતાર્યો. ઉપરથી બીજી ઘણી ફાઈલો પકડાવી કહ્યુ કે જ્યાં સુધી કામના પતે ત્યાં સુધી ઘરે જવાનું નામ ના લેતાં. બોસનો ગરમ મિજાજ જોઈ તે કશું બોલી શક્યા નહી. જેમ તેમ કરી દિવસ પુરો કર્યો. પણ કાયમ સાંજે પાંચ વાગે ઓફીસ છોડી જતા જગુભાઈ આજે સાડા છ સુધી નિકળી નોહ્તા શક્યા. અને નિકળતી ફેરી યાદ આવ્યુ કે પાકીટ તો બસમાં જ મરાઈ ગયેલું એટલે તમણે બોસ પાસે બસ્સો રૂપિયા ઉપાડ માંગ્યો. બોસે મો કટાણું કરી બસ્સો તો આપ્યા પણ સાથે સંભળાવ્યુ પણ ખરૂં...

"ટાઈમે ઓફીસ આવતા હો અને સરખુ કામ કરતાં હો તો પુરો પગાર ઉપાડ તરીકે આપું.. હવે કાલથી ટાઈમ પર આવજો.. જાવ"

બાહર નીકળી રીક્ષામાં બેઠા. ડેપો જઈ બસ પકડી અને ગામમાં ઉતર્યા ત્યારે યાદ આવ્યુ કે સ્કુટર તો પાછળ ભુલી આવ્યા. ફરી પાછા રીક્ષા પકડી ગેરેજ પર ગયા અને ત્યાંથી સ્કુટર લઈ ઘર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્કુટર રીઝર્વમાં પડ્યુ ત્યારે ધ્યાન ગયું કે ગેરેજ વાળાએ પેટ્રોલ કાઢી લિધુ છે. જગુભાઈ ને થયું હાશ હવે ઘરે ગયા બાદ કોઈ ઉપાધી નહી આવે. પણ...

ઘરે પહોંચી ઘરના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કર્યો ત્યાં સામે સોફા પર સુંદર વસ્ત્રોમાં એકદમ ખુબસુરત રીતે તૈયાર થઈ અને મોઢુ ચડાવીને બેઠેલા ભાભી દેખાણાં. ભાભીને એકદમ તૈયાર થયેલા જોઈ એક મીનીટ માટે તો જગુભાઈ ને આશ્ચર્ય થયું પણ બીજી મિનીટે આંચકો પણ લાગ્યો. ભાભી બરાડ્યા....

"તમને મારા માટે ટાઈમ જ નથી. આજે આપણા જીવનનો આટલો મોટો દિવસ છે તમને મોડા આવતાં જરાય શરમ આવે છે. આજે આપણાં લગ્ન જીવનને પાંચ વરસ પુરા થયાં. કાલે જ કહ્યુ હતુ ને કે વહેલા આવજો... પિક્ચર જોવા જાવું છે... વહેલા આવવાનું તો દુર રહ્યુ ટાઈમ સર પણ ના આવ્યા કે બાહર ફરવા તો જવાય.. છેક નવ વાગે આવ્યા... હવે શું ખાક ફરવા જવાશે? મારા માટે કશું લાવ્યા કે પછી ખાલી હાથ હલાવતા આવ્યા?"

જગુભાઈ શું જવાબ આપે? બિચારા તતફફ કરવા માંડ્યા એટલે ભાભી વધુ અકળાયા. "આખા ગામમાં બધા મિત્રોને ગિફ્ટ આપતા ફરો છો તે તમને હું જ વધારાની લાગી?" અને ભાભી રડવા લાગ્યા... આ જોઈ જગુભાઈ નો પણ પારો ખસ્યો.. આખા દિવસ નો ગુસ્સો ભેગો કરેલો તે હવે બાહર આવવા લાગ્યો..
"તને તો બસ જયારે હોય ત્યારે નાની નાની વાતો માં રડવાનું જ સુજે છે.. આખા દિવસનો ભૂખ્યો છું.. જમવાનું તો પુછ.."

"શું ખાક જમવાનું? કાલે તમે જ તો કહેતા હતા કે ફિલમ જોઈને બાહર જમશું તમારે રવાડે મારી ફીલમ પણ ગઈ અને ભુખ્યા રહેવાનો વારો આવ્યો તે નફામાં... કશું જમવાનું નથી બનાવ્યું.. ચુપચાપ સુકો નાસ્તો અને ચા જમી લ્યો.. મારી તો મેરેજ એનેવર્સરીમાં ધુળ પડી.."

આ સાંભળી જગુભાઈ ના ગુસ્સાના ફટાકડાનું સુરસુરીયુ થઈ ગયું. એક તો સખત ભુખ ઉપરથી સુકો નાસ્તો ખાઈ ને સુવાનું એમા ઘરવાળી પણ રીસાઈ ને બેઠી. જેમ તેમ પેટ ભરી સુવા માટે બેડરૂમના પલંગમાં પડતુ મુક્યું ત્યાં માથે પંખાને જોઈ ને સવારના છાપાની નાક સાથેની ટક્કર યાદ આવી ગઈ અને સાથે યાદ આવી ગઈ આખા દિવસની ઘટમાળ... એ યાદો આવતાં જ જગુભાઈ ડરી ગયા અને ઓશીકુ જમીન પર નાખી સુઈ ગયા..


=:=:= સપન =:=:=
(તા. ૦૯-૦૧-૨૦૦૮)

6 comments:

parth said...

khoob j jordar che..majja padi gayi..kharekhar..

sakshar said...

મજા આવી ગઇ સપનભાઇ...

Prakaash said...

good one sapanbhai... aavij rite post karta rahejo...

nil said...

This is the general thing we see in everyday life around us..but still enjoyed a lot !! while reading i felt like watching Amol Palekar movie or movie like Khosla ka Ghosla..

Keep Writing Sapan Bhai.. :)

HETME said...

It's Realy very "avarchando day"

ધ્યાનથી વાંચજો,યાદ રાખજો ,પ્રશ્નોનું નિરાકરણ,પ્રયત્ન,નિરાકરણ ચોક્કસ થશે

shahbrij said...

gajab che...sapan bhai.. gajab che.. maja avi gayi.. Murfy's law nu perfact udaharan che aa.