Search This Blog

Saturday, April 18, 2015

એક નવી શરૂઆત



અત્યારે બપોરે સવા એક વાગ્યા આવ્યા હતાં. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી મી એન્ડ મમ્મી હોસ્પીટલ જવા ઓફીસેથી નીકળેલાં વિનયના પગ જાણે કોઈએ સો ઘોડાનું બળ પુરી દીધું હોય એમ દોટ મુકી રહ્યા હતાં. તેની અંદર ઉછળતા આનંદને એ કોઈ પણ રીતે દાબી શકતો ન હતો. આનંદ હોવો સ્વભાવીક હતો.

આજ સવારે એના બોસ નયનભાઈ ઓફીસમાં અવ્યા, મંદીરમાં માથુ નમાવ્યુ અને પોતાની કેબીનમાં જઈ રીવોલ્વીંગ ચેર પર બેઠા કે તરત જ વિનય અંદર અત્યંત ઉત્સાહ સાથે ધસી અવ્યો હતો. ’મે આઈ કમ ઈન સર’નો વિવેક પણ આજે એણે જતો કર્યો હતો અને સીધો જ મુદ્દાની વાત પર આવી ગયો હતો. "સર મારે આજે ફોન આવે તો કદાચ ઓફીસ છોડીને નીકળી જવું પડશે. તમને તો ખબર જ છે કે..." એ આગળ બોલે એ પહેલાં જ એને રોકીને નયનભાઈ બોલ્યા હતાં.. "મને બધી ખબર છે. આ માટે તારે મને પુછવાનું ના હોય. જતો રહેજે." 

"થેન્ક્યુ સર" પોતાને ખબર જ હતી કે નયનભાઈ ના નહી પાડે એટલે મન માનીતો ઉત્તર આપવા માટે એણે નયનભાઈ નો આભાર માન્યો. એની માએ સમજાવ્યું હતું કે આપણી કુળદેવીની આળ મુજબ ડીલીવરી સમયે બાળકના પીતાએ એ સ્થળે હાજર ના રહેવું જોઈએ. એટલે એ આજે ક-મને ઓફીસે આવ્યો હતો. આમ જુઓ તો ઓફીસે ફક્ત એનું શરીરજ આવ્યું હતું બાકી એનું મન, આત્મા અને વિચારો તો હોસ્પીટલનાં જ આંટા મારી રહ્યા હતાં. 

સામાન્ય રીતે કોઈપણ મીટીંગ દરમ્યાન મોબાઈલ સાથે રાખવા પર વાંધો ઉઠાવનાર નયનભાઈએ આજે વિનય મોબાઈલ લઈને કોન્ફરન્સ રૂમમાં આવ્યો છે એ જોયું છતાં વણદેખ્યુ કરી દિધું. બીઝનસ ડેવેલપમેન્ટ માટે ની એ મીટીંગમાં વિનયનું મન મીટીંગમાં ઓછુ અને મોબાઈલ ની રીંગ ક્યારે વાગે એમાં જ હતું. ખાતરી હોવા છંતા થોડી થોડી વારે પોતાનો મોબાઈલ શર્ટના ખીસામાંથી કાઢી અનલોક કરતો અને ચેક કરી લેતો કે કોઈ વ્હોટસએપ મેસેજ, એસ એમ એસ કે મીસ કોલ તો નથી આવ્યો ને. વિનયને ખ્યાલ નહોતો કે તેની આ ચેસ્ટા નયનભાઈની અચુક નજરમાંથી બીલકુલ છુપી નહોતી. નયનભાઈ પણ આજે વિનયને ટોકીને તેના ઉત્સાહને ઓસારી દેવા નહોતા માંગતા. તેઓ ખુબ સારી રીતે જાણતાં હતાં કે આજનો દિવસ વિનય માટે કેટલો અગત્યનો છે. 

બપોરે બરાબર એક વાગે વિનયના મોબાઈલની રીંગ વાગી.. રીંગ વાગી એટલે એણે તરત જ એકદમ ઉત્સાહથી મોબાઈલ ખીસામાંથી કાઢ્યો ત્યાં જ તેને ભાન થયું કે એના સાથીદારો અને નયનભાઈ એને જોઈ રહ્યાં છે. એને તો એમ જ કે નયનભાઈ મીટીંગમા મોબાઈલ લાવવા બદલ એને ઠપકો આપશે પણ નયનભાઈ એ કાંઈક જુદું જ ઉચ્ચાર્યુ. "ડીયર.. ફોન ઉપાડ. અરે અમને પણ ખુશ ખબરી જાણવાની બહુ બધી ચટપટી છે" સાંભળી ને વિનય ગેલમાં આવી ગયો અને મોબાઈલની સ્ક્રીન પર જોયું તો સીમ્પલ નું નામ તેનાં પર ચમકી રહ્યુ હતું. તરત જ ફોન ઉપાડી તે બોલ્યો.. "જલ્દી બોલ બેના.." પોતાના થી બે વર્ષ નાની બહેન સીમ્પલ ને મોટેભાગે એ બેના કહી ને જ બોલાવતો. સામે સીમ્પલ પણ જાણે તેને તડપાવવા માંગતી હોય તેમ બોલી... "જલ્દી બલ્દી કાંઈ નહી.. પહેલા બોલ. તને સૌથી પહેલાં હું ખુશ ખબર સાંભળાવું છું.. તો મને ઈનામમાં શું મળશે?" 

બેન ની આ ચાલાકી પર વિનયને પહેલાં તો ચીડ બળી પણ પછે તરત જ એણે મનને સમજાવી લીધું કે આજે તો બેન નો આ હક કહેવાય. તે તરજ બોલ્યો.. "તને જે જોઈએ તે મળશે બસ.."
વિનયનો આ જવાબ સાંભળી નયનભાઈ સમજી ગયાં કે બેન ભાઈને ચીડવી રહી છે એટલે એમનાથી થોડુ મલકાઈ જવાયું. સામે છેડે સીમ્પલને મનગમતો જવાબ મળ્યો એટલે તરત જ બોલી.. "એમ નહી.. વચન આપો"

"આપ્યુ વચન. તને જે જોઈએ તે મળી જશે."

"તો સાંભળ ભાઈ... તારે ઘરે આજે બપોરે બરાબર બારને ઓગણ ચાલીસ ના વિજય મુર્હતે લક્ષ્મીજી એ પગલાં કર્યા છે." 

ફોન પર આટલું સાંભળતાની સાથે જ વિનય સ્થળ કાળનું ભાન ભુલીને જોરથી ઉછળી પડ્યો હતો.. "યસ્સ્સ.. સીમ્પલ.. તારૂં ઈનામ પાક્કું.. પણ કહે તારા ભાભી કેમ છે?" 

"ભાભી પણ એકદમ સારા છે. બસ અહીં તમે આવો એની રાહ જોવાઈ છે." શબ્દો સાથે સીમ્પલના શબ્દોનો ઉત્સાહ પણ વિનયના કાને અફળાયો" 

"ભલે.. હું હમણાં જ નીકળું છું." કહેતાં કહેતાં તેના ગળે ખુશી નો ડુમો ભરાઈ ગયો જે સામે છેડે સીમ્પલ થી છુપો નહોતો રહ્યો. ફોન મુક્તાં જ એ ફરીથી ઉછળીને પોતાની ખુશી વ્યક્ત કરવા જતો હતો પણ ત્યાં જ એને ભાન થયું કે તે એકાન્તમાં નહી પણ ઓફીસની કોન્ફરન્સ રૂમમાં ઉભો છે. એણે નયનભાઈ સામે જોયું તો તેમનાં ચહેરા પરનું સ્મીત જોઈને એ થોડો શરમાઈ ગયો. 

"ભાઈ.." જાણે એની દ્વીધા સમજી ગયાં હોય તેમ નયનભાઈ બોલ્યા "અમને પણ જણાવ એટલે અમે પણ તારી સાથે ઉછળીને અમારી ખુશી વ્યક્ત કરી શકીએ" ત્યારે એને ખ્યાલ આવ્યો કે સીમ્પલ પાસેથી એ ખુશ ખબર સાંભળ્યા અને ઉછળ્યો ત્યારે એ સ્થળ કાળનું ભાન સાવ ભુલી ગયેલો...

"સર.. ઇટ્સ અ બેબી ગર્લ." આંખમાં હર્ષનાં આંસુ સાથે એણે નયનભાઈને કહ્યું."બરાબર વિજય મુર્હતે લક્ષમીજી અવતર્યાં." અને તરત જ આ ખુશ ખબરને કોન્ફરન્સ રૂમમાં ઉભેલી દરેક વ્યક્તીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. સૌથી પહેલાં નયનભાઈ વિનયની નજીક આવ્યા અને એને ગળે લગાડીને અભીનંદન આપ્યા અને ત્યાર પછી દરેકે વિનયને અભીનંદન આપ્યા. આ ઔપચારીકતા પુરી થવાનીજ રાહ જોતાં હોય એમ નયનભાઈ બોલ્યાં... "જા વિનય. તારે તો હવે જલ્દી હોસ્પીટલ પહોંચવુ જોઈએ.." 

જાણે આ વાક્યની જ રાહ જોતો હોય તેમ "થેન્ક્યુ સર.. હું નીકળું છું." બોલી પોતાની બેગ ઉપાડી ને હોસ્પીટલ તરફ દોટ મુકી. કોન્ફરન્સ રૂમની બાહર નીકળતાં એની પીઠ પર નયનભાઈ ના શબ્દો અફળાયા "ત્રણ ચાર દિવસ ઓફીસ ના અવાય તો ચીંતા ના કરતો દિકરી સાથે સારો એવો સમય વિતાવજે" આ સાંભળીને વિનયને આભાર વ્યક્ત કરવાનો વિચાર આવ્યો પણ દિકરીને મળવાની તાલાવેલીથી ભરાયેલા મને તેનાં પગને પાછા વળવા દિધા નહી. 

*****
સપન : ૧૭.૦૪.૨૦૧૫ : બપોરે ૪ ને ૩૬ કલાક
*****

No comments: