Search This Blog

Friday, May 21, 2010

ભીખ... દાન.. ધર્માદા..


મિત્રો...

સૌથી પહેલાં તો આપણે આ ભીખ.. દાન... ધર્માદો શું છે એ સમજીએ તો એની ઉપયોગીતા સમજમાં આવી જશે...

રસ્તે ચાલતાં કોઈ ગરીબ તમારી સામે હાથ લાંબો કરીને કશું માંગે છે અને તમે તેને રૂપીયા કે ખાવાની વસ્તુ આપો છો તો તે ભીખ છે.... કોઈ સંત વ્યક્તીને કે કોઈ સારી સંસ્થાને, કોઈ પશુ-પંખીને અપાયેલા ખોરાક કે રૂપીયા કે વસ્તુને દાન કહેવાય છે...... અને કોઈ આત્મજન ગુજરી જાય તો એની પાછળ અપાતાં દાનને આપણે ધર્માદો કહીએ છીએ.

બીજો સવાલ એ કે ભીખ કે દાન કે ધર્માદો કરવો જોઈએ કે નહી ??

તો મારા મત મુજબ હા. આ ત્રણે કરવા જોઈએ..... કારણ કે

(૧) ગરીબને ભીખ આપવાથી આપવાથી આપણે સામે વાળી વ્યક્તીની ફક્ત ગરીબી કે લાચારી દુર નથી કરતાં પણ એક એવા સમયને પણ જોઈએ છીએ જ્યાં માનવી નિઃસહાય થઈ જાય છે.....(આ તો દરેકનો જોવાનો નજરીયો છે..)... સમય અને સંજોગો માનવીને કેટલી હદ સુધી પછાડી શકે છે એ આપણે પોતાની નઝર સમક્ષ જોઈ શકીએ છીએ. અને એ સાથે જ આપણે એવા સંજોગો સામે બાથ ભીડવા આગોતરી તૈયારીઓ પણ કરી શકીએ છીએ. વૈગ્યાનીક રીતે એ સાબીત પણ થયુ છે કે જે વ્યક્તી ભીખ, દાન કે ધર્માદો નીયમીત રીતે કરે છે તે માનસીક રીતે વધુ મજબુત હોય છે.

(૨) સંતને કરેલા દાનમાં હંમેશા સંતના આશીષ રૂપી ફળ છુપાયેલું હોય છે અને સંતના આશીર્વાદના ફાયદા કેટલા હોય છે એ તો આપ સૌ જાણો જ છો.

(૩) અમુક સંસ્થાઓ ચાલે છે જે ખરેખર સેવા કાર્ય કરતી હોય છે....(મહેરબાની કરીને રાજકીય પક્ષોને આ સંસ્થાઓ સાથે જોડવા નહી...)... એવી સંસ્થાઓને અપાયેલા દાનથી દેશ અને સમાજનો ઉદ્ધાર થાય છે. આ સંસ્થાઓ અને એની ટીમ એવી વ્યક્તીઓ અને એવા ક્ષેત્રો સુધી પહોચે છે જ્યા કોઈ એકલા વ્યક્તીનું પહોંચવું ખરેખર અઘરૂં હોય છે, કહો કે અશક્ય હોય છે.

(૪) ધાર્મિક સંસ્થાઓને (મંદીર, મસ્જીદ, ગુરૂદ્વારા વિ.ને પણ અહીં શામેલ કરશો) કરાતા દાન પુણ્ય દ્વારા આપણે આપણા આત્માને તૃપ્ત કરીએ છીએ. આ વાત થોડી આધ્યાત્મીક છે પણ એટલી જ જરૂરી છે. આત્માની શાંતી... આત્માની તૃપ્તી... આત્માનો આનંદ એ કોઈપણ વ્યક્તીને ખુશહાલ જીવન આપવામાં પાયારૂપ બને છે. (આ વીશે વધુ નથી લખતો.. નહી તો આ ચર્ચા પ્રવચનમાં ફેરવાઈ જશે)

(૫) આપણે માણસ છીએ. ભુખ લાગે તો જાતે બનાવી લઈશું... જાતે ના બનાવી શકીએ તો બોલી શકીશું.. બોલી પણ ના શકાય તો ઈશારાથી માંગી લઈશું.. પણ મુંગા પશુ-પંખી કે જીવાતોનું શું ?? તેઓને પણ ભગવાને પેટ તો આપ્યુ જ છે. તો એમને કરાયેલું દાન પણ એટલું જ જરૂરી છે.

(૬) કોઈ આપ્તજન પાછળ જ્યારે કોઈ ધર્માદો કરે છે તો તેના દ્વારા એ આપ્તજનની આત્માની શાંતી માટે પ્રાર્થના પણ કરે છે. જગતને છોડીને ગયેલા આત્મા માટે પણ શાંતી પ્રાર્થના જરૂરી છે અને કદાચ આ કારણથી જ આ ધર્માદાનો રીવાજ અમલમાં આવ્યો હશે.

હવે ત્રીજો સવાલ.. ભીખ કે દાન કોને કરવા જોઈએ ??

શું દરેક ભીખારીને ભીખ આપવી જોઈએ ?? શું દરેક સંત અથવા ધાર્મીક કે સામાજીક સંસ્થાને દાન આપવું જોઈએ ??

તો આનો જવાબ મારા મત મુજબ ના છે. કોઈ ભીખારીને ભીખ આપતા પહેલા એ ચકાસવું જરૂરી છે કે શું એ ભીખ આપવાને લાયક છે. ક્યાંક એણે આ ભીખ માંગવાનો ધંધો તો નથી આદર્યો ને ?? હવે તમે કહેશો કે રસ્તે ચાલતાં કે ટ્રેનમાં મળેલા ભીખારીની એ લાયકાત ક્યાં તપાસવા જવી ?? તો મારૂ સુચન છે કે એવી વ્યક્તીને ભીખ આપવાનું ટાળો અને ખાસ કરીને રૂપીયા. હા, બાકી હાથ પગ કે આંખો વગરના માનવીની લાયકાત તપાસવાની તો જરૂર જ નથી હોતી.

સંતમાં પણ એની અંદરના સાતત્યને ચકાસવું જરૂરી છે. તેવી જ રીતે ધાર્મીક-સામાજીક સંસ્થાઓની પણ યોગ્યતા ચકાસવી જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ આ સંસ્થાઓની આડમાં બીઝનેસ અને ટેક્સ સેવીન્ગસ થતાં પણ મે જોયા છે.

દાન આપવા માટે મનુષ્યની કે એના દ્વારા ચાલતી સંસ્થાઓની ચકાસણી કરવી જરૂરી બને છે પણ પશુ-પંખી માટે આ ચકાસની જરૂરી નથી એ કેવું વિચિત્ર કહેવાય નહી ??

ગરમીની સીજન પુરબહારમાં ચાલે છે એટલે out of topic આ સુચન લખવાનું મન થાય છે. તમારા ઘરની બહાર કે છત કે અગાસી ઉપર પાણીનાં કુંડા ભરીને મુકી રાખશો. મુંગા પશુ પંખીને પાણી પીવડાવવું એ પણ એક દાન આપવાની રીત જ છે....

હજી એક સવાલ બાકી છે... ભીખ, દાન કે ધર્માદા કેવી રીતે કરવાં ??

ભીખારીને ભીખ આપવી... સંસ્થાને કે સંતને દાન આપવું... કે આત્મજન પાછળ ધર્માદો કરવો એ આમ તો સીધી સાદી વાત છે... પણ કામ કેવી રીતે કરવા એ એક મહત્વની વાત છે.

ભીખારીને તમે રૂપિયાને બદલે ખોરાક પણ આપી શકો છો... આજકાલ ભીખ માંગવો એ ખરેખર એક ધંધો બની ગયો છે... આ ધંધાને કાબુ કરવા માટે આપણે જ સૌથી પહેલા જાગૃત થવાની જરૂર છે. અગર આપણે રૂપીયા આપીશું તો ભીખ માંગવી એ એની આદત બની જશે. પણ ખોરાક આપીશું તો એ કરી કરીને કેટલો ખોરાક એકઠો કરશે ?? અને દરેક જરૂરીયાત ફક્ત ખોરાકથી જ થોડી પુરી થવાની છે ?? આ દ્વારા તેને મહેનત કરવાની પ્રેરણા મળશે. માનુ છું કે આને કારણે કદાચ ભીખારીઓ ક્રાઈમ તરફ વળી જાય... પણ એ ડરથી આપણે પ્રયત્ન કરવો જ મુકી દેવો એ વાત તો યોગ્ય નથી ને ??

સંત કે સંસ્થાને પણ અગર થઈ શકે તો રૂપીયા આપવાના ટાળવા. તેમને રૂપીયા ન જ આપવા એમ નથી કહેતો. કારણ કે તેમની અમુક જરૂરીયાત તો તેના દ્વારા જ પુરી થશે. પણ તેમને પણ તેમની જરૂરીયાતી સામાન અગર આપશો તો ધાર્મિક સંસ્થાઓ અને સંતોમાં દુષણ ફેલાતુ અટકશે. (આ મારૂં માનવું છે... બાકી જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટી.)

પશુ પક્ષીઓ માટે આવુ નથી જ લખવું પડતું. કારણ કે તેઓમાં માણસ જેટલી લુચ્ચાઈ તો નથી જ ભરેલી હોતી..

આ સીવાય પણ મદદના પ્રકાર છે. જેમ કે મિત્રોને મુસીબતમાં મદદ કરવી... એને જાણ ના થાય એમ... એ પણ દાનનો જ એક પ્રકાર છે. કહેવાનો અર્થ એજ કે નેકી કર ઔર કુવે મે ડાલ... જે પણ દાન કરો.. મદદ કરો... ભીખ આપો એનો ઢંઢેરો ના પીટવો...

અને હા, ભલે થોડુ દાન કરો પણ મનથી... દિલથી કરો.. લાગણીથી કરો, બુદ્ધીથી નહી... પરમાર્થ માટે કરો, સ્વાર્થ માટે નહી....

મિત્રો...

એક વિનંતી કરૂં છું...

અગર કોઈ તકલીફ ના હોય તો જીવનમાં રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન જરૂર કરજો... કારણ કે આ દાન દ્વારા તમે કોઈને જીવનદાન અને કોઈને પ્રકાશનું દાન આપી શકો છો તો કોઈ મેડીકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ વિદ્યાનું દાન પણ આપી શકો છો.

આભાર...

:: સપન ::
૨૧.૦૫.૧૦

Wednesday, May 19, 2010

સંબંધમાનવી માનવી વચ્ચે આ અકબંધ શું છે ?
હવે કોઈ તો મને સમજાવે આ સંબંધ શું છે ?

સગા ને સાચવે અને સાવકાને સતાવે
એક માની મમતામાં આ ભરમ શું છે?

પીતાના આ ધંધામાં આપણને ના ફાવે.
બાપ-દિકરા વચ્ચે આ અણબન શું છે ?

કીધેલું માન, આમ તો તું છે નાનો
ભાઈ - ભાઈમાં આ ચણભણ શું છે ?

પત્નીથી પારકો પણ પારકી એ પત્ની
એક પતીની વફામાં આ ફરક શું છે ?

કોઈકના ભોગે દુ:ખ તો કોઈકના ભાગે સુખ
ઓ ઈશ્વર, આ માનવીના કરમ શું છે ?

હીન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ. રહેવા દે હવે.
’સપન’ જરા શીખ, માણસાઈનો ધરમ શું છે?

માનવી માનવી વચ્ચી આ અકબંધ શું છે ?
હવે કોઈ તો મને સમજાવે આ સંબંધ શું છે ?

:: સપન ::
૦૯.૦૫.૧૦