Search This Blog

Sunday, August 23, 2015

૨૩-ઓગસ્ટ-૨૦૧૫

અનામત નો વિરોધ અને વિકલ્પ…

અનામત.. અનામત.. અનામત.. છેલ્લા કેટલાક સમય થી પાટીદારોના અનામત આંદોલન ને કારણે આ શબ્દ દિવસ માં લગભગ ૧૦૦ - ૧૫૦ વખત સાંભળવા મળે છે.  મને એ સમજાતું નથી કે આ અનામત ને એટલું બધું કેમ મહત્વ આપવામાં આવે છે. મને તો આ અનામત પ્રથાથી જ બહુ નફરત છે. સાચુ કહું છુ.. આ અનામત પ્રથાને ગંદા રાજકારણની એક વાહીયાત ઉપજ જ હું માનું છું. આ અનામત પ્રથાની શરૂઆત કોઈ સારા મક્સદ થી આ દેશમાં શરૂ કરવામાં આવી હતી પણ હવે તો એણે કેટલાય જીવનનાં ઉઠમાણા કરી દીધા છે. મોટી ભુલ તો હું એ માનું છું કે જ્યારે અનામત પ્રથા લાગું થઈ ત્યારે જ એના અંતનો દીવસ નક્કી કરી દેવો જોઈતો હતો.. જે ના થયો. મારા મતે આ અનામત પ્રથાનો હવે સદંતર અંત જ આવી જવો જોઈએ..

પહેલાં મને થતું કે સરકારી નોકરીઓમાં આટલી બધી જગ્યાઓ ખાલી હોવાં છતાં બીજી બાજુ બેકારી પણ કેમ વધી રહી છે? પણ આ અનામત આંદોલન ને કારણે સત્ય સામે આવ્યુ. ST, SC, OBC વગેરે ને કારણે જનરલ ને માટે ફક્ત ૨૦-૨૫ ટકા જ જગ્યા બચે છે. બાકીની ૭૫ - ૮૦ ટકા જગ્યાઓ ખાલી રહે તો ચાલે પણ જનરલ કેટેગરીનો વ્યક્તી તેમાં અપ્લાય પણ નથી કરી શક્તો. જ્યારે અનામત કેટેગરીનો વ્ય્કતી વધુ ટકા સાથે જનરલ કેટેગરીમાં અપ્લાય કરી શકે છે. પરીણામે.. જગ્યાઓ ખાલી ની ખાલી… ખાલી જગ્યાઓ પુરાતી નથી અને બેકારી ઘટતી નથી.

રાજસ્થાનમાં ગુર્જરોનાં આંદોલનનું શુ થયું? બહુ ગાજ્યુ હતું એ આંદોલન. ગુર્જરોને પાંચ ટકા અનામત પણ મળી. પણ પછી?? હાઈકોર્ટે એના પર સ્ટે મુકી દીધો. થોડું ઓછું જાણીતું જાટ પ્રજા માટે અનામત. એની પણ એ જ હાલત. સુપ્રીમ કોર્ટ દ્વારા જાટ પ્રજાને આપેલો ક્વોટા કેન્સલ કરાયો.. પાટીદારોનાં આંદોલન પછી પણ આવું જ થશે તો? અને હજી તો પાછળ બ્રાહ્મણ, ક્ષત્રીય અને સીંધી જેવા સમાજ પણ આવા આંદોલન માટે તૈયાર ઉભા જ છે.  આવા આંદોલનો થી બીજુ કાંઈ થાય ના થાય પણ રાજકારણ ના તળાવમાં નવા મગરો જરૂર ઉતરી આવે છે.

એક ખાસ વાત.. હું પોતે લઘુમતી નો દરજ્જા વાળી જાતીમાં અને અનામત વાળી કેટેગરીમાં આવું છું પણ મને આ પ્રથા દીઠે ગમતી નથી. આ રીતની ખોટી અનામત પ્રથા એ દેશની પ્રજાનું જીવન ધોરણ સુધારવાં કરતાં દેશનાં અર્થતંત્રનું ધનોત પનોત કાઢવાની મોટી ચાવી છે. સવાલ થતો હશે “કેમ?” અને થવો પણ જોઈએ. જવાબ શોધશો તો જાતે જ મળી જશે. ચાલો સમજાવું… અંગ્રેજો જે ભાગલા પાડો અને રાજ કરોની નીતી અપનાવતા હતાં એ જ નીતીની બીજી ચાલ એટલે અનામત. આ પ્રથા એ બે જાતીઓ ને એક બીજાથી અલગ પાડવાનુ અને એક બીજીથી લઘુ કે ઉત્તમ કહેવાનું આ રાજકારાણી બહાનું છે. જ્યારે એક જાતીનો છોકરો ઓછા માર્ક સાથે આગળ વધી જાય અને બીજી જાતીનો છોકરો વધુ માર્ક સાથે પાછળ રહી જાય ત્યારે કેવું થાય? પાછળ રહી ગયેલા છોકરા પ્રત્યે અને તેની જાત પ્રત્યે દ્વેષ બંધાય… જે આગળ જતાં કોમવાદ ને વધુ જગાવે છે. બીજું.. જ્યારે કોઈને સરળતાથી રોટલો ખાવા મળતો હોય તો તે મહેનતથી દુર ભાગે છે. કોઈ પણ અનામત વાળી વ્યક્તીને એટલું તો થશે જ “કે બસ એપ્લીકેશન કરવા જેટલા માર્ક આવી જાય.. વધારે માર્ક લાવવા માટે મહેનત શું કામ કરવી? એડમીશન કે નોકરી તો મળી જ જવાની છે ને.. અનામત ના જોરે..” કહેવાનો અર્થ એ કે આ પ્રથા જે તે નાગરીકના મનમાં આળસ ઉમેરે છે.. કામ કરવાની લગનીથી એને દુર કરે છે.. અને આ માનસીકતા તેને વધુ નવરો બનાવે છે.. અને નવરો નખ્ખોદ વાળે એ કહેવત મુજબ તે આગળ જતાં ગુનાહીત પ્રવૃત્તીમાં સક્રીય બને છે. આ જ માનસીકતા ને કારણે જે તે જાતીની ઉત્પદક્તા ઘટે છે અને જે દેશની ઉત્પાદક્તામાં પણ ઘટાડો થાય છે અને દેશનું અર્થતંત્ર ધીરે ધીરે ખાડામાં જાય છે.  

આ લખતાં લખતાં એક ઓર વાત સમજ માં આવી.. આ અનામત પ્રથાને કારણે ગુનાહીત પ્રવૃત્તી પણ વધવાની શક્યતાઓ વધી જાય છે. જેને સરળતાથી એડમીશન કે નોકરી મળી જાય તે આળસ અને નવરાશ ને કારણે ગુનેહગાર બની શકે છે અને જેને મહેનત કરવાં અને સારા માર્ક લાવવાં છતાં એડમીશન કે નોકરી નથી મળતી તે દ્વેષ, ઈર્ષ્યા અને બેરોજગારીને કારણે ગુનાહીત પ્રવૃત્તી તરફ આગળ વધી શકે છે.

અનામત પ્રથા પર મે ગુસ્સો બહુ ઠાલવ્યો. હવે વાત કરીએ અનામત પ્રથા નો વિકલ્પ શું? પહેલાં તો મારે એ જ કહેવું છે કે નોકરીઓમાં સ્ત્રી અનામત સીવાય ની દરેક અનામત કાઢી નાખવી જોઈએ. સમાન ભારતીય નાગરીકત્વને પ્રોત્સાહન આપવું જોઈએ. કોઈ પણ નાગરીક હોય…. એ ચાહે કોઈ પણ જાતી કે ધર્મનો હોય…એ સૌથી પહેલાં ભારતીય હોય. એને એડમીશન અને નોકરી એની આવડત ના આધારે જ મળે. પરીક્ષામાં મેળવેલ ગુણ ને આધારેજ એને આગળ વધવા મળે. હવે માનો કે કોઈ એવું હોય કે જેના માર્ક્સ તો સારા આવ્યા છે પણ તેનું કુટુંબ તેને આગળ ભણાવી શકે એવી સ્થીતીમાં નથી તો શુ? એના રસ્તા તરીકે જે તે વિદ્યાર્થીના વાલીની આર્થીક આવક ને આધારે સ્કોલરશીપ મળે. અને આ આવક ઈન્કમ ટેક્ષ રીટર્ન ના આધારે જ નક્કી થાય. (આવકના દાખલાને આધારે નહી) હા… અહીં ફક્ત ભણતર માટેની સ્કોલરશીપ મળશે… નોકરી તો નહી જ… નોકરી મેળવવા તો એણે પરીક્ષામાં ફરજીયાત પણે સારૂં પરફોર્મન્સ આપવું જ પડશે. નોકરી તો મેરીટ ને આધારે જ નક્કી થશે… આને કારણે દેશને અને દેશના અર્થતંત્રને તો ફાયદો થશે જ સાથે સાથે દેશના નાગરીકોનું શૈક્ષણીક સ્તર પણ ઉંચું આવશે. જેને ભણવું છે તે વધુ મહેનત કરી વધુ સારા માર્ક્સ લાવશે જેથી તેને વધુ સારી સ્કોલરશીપ મળી શકે. અને જેને સારી નોકરી જોઈએ છે એ પણ વધુ મહેનત કરશે જેથી ઉંચા મેરીટને કારણે તે અટકી ના પડે. સરકારી નોકરીઓમાં સારા અને ઉચ્ચ ગુણવત્તા વાળા નાગરીકોની ભરતી થશે જે પોતાની ગુણવત્તાને કારણે દેશને આગળ લઈ જશે. ઈન્કમ ટેક્શ રીટર્ન ને આધારે જ સ્કોલરશીપ મળશે એટલે દરેક નાગરીક ઈન્કમ ટેક્ષ ભરવા પ્રેરાશે જે દેશની અર્થવ્યવસ્થામાં સુમેળ સાધશે.

મને ખબર છે કે આમ અચાનક અનામત હટાવી લેવાથી વિરોધનો વંટોળ ફુંકાશે. પણ અત્યારે એ ક્રાંતીની તાતી જરૂરીયાત છે. અને કોઈ પણ ક્રાંતી કોઈ મોટા વિરોધ વગર થઈ જ નથી. આ તો મારો મત મે અનામત વિશે પ્રસ્તુત કર્યો છે. જે મારી વાત સાથે સહેમત હોય તે અને જે સહેમત ના હોય તે પણ મને તેમના મત જરૂર કહેજો..

સપન : ૨૩.૦૮.૨૦૧૫

No comments: