જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…

 
 જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે,
 જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી 
હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં 
મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે.
 
 ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં 
ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક 
આકાશને, ઈશ્વરને આંબે છે.
 
 થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. 
પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા 
માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને 
કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા 
વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું 
એનું લાકડું રાખી મૂકીશ.
 
 ત્રણેય ઝાડ કપાયાં. ત્રણેય દુ:ખી થયાં. 
એમના ધાર્યા પ્રમાણે કશું ન થયું પણ ઘાસ રાખવાની ગમાણ બનેલા ઝાડ પાસે એક 
દિવસ એક સ્ત્રી-પુરુષ આવ્યાં, એમની પાસે તાજું જન્મેલું બાળક હતું. બાળકને 
ગમાણમાં ઘાસ પર રાખવામાં આવ્યું. તરત ઝાડને સમજાયું : ઓહ ! મારી ગોદમાં 
સૂતેલું આ બાળક તો આખી સૃષ્ટિની સૌથી મુલ્યવાન વ્યક્તિ છે. કબાટ બનીને 
મુલ્યવાન વસ્તુ સંઘરવા કરતાં મુલ્યવાન વ્યક્તિને પોતાની ગોદમાં રાખીને એ 
ઝાડ ધન્ય ધન્ય થયું.
 
 થોડા વર્ષો બાદ, બીજા ઝાડમાંથી બનેલી હોડી 
મઝધારમાં હતી ત્યારે ભયંકર તોફાન આવ્યું. હોડી ઊંધી વળી જાય તેવી સ્થિતિ 
હતી. એ વખતે હોડીમાં સૂતેલા યુવાને ઊભા થઈને કહ્યું : ‘શાંતિ…શાંતિ…’ અને 
વાવાઝોડું શાંત થઈ ગયું. હોડી બનેલા વૃક્ષને સમજાઈ ગયું કે એ ઉતારુ બહુ 
મહાન આત્મા હતો.
 
 મહારાજા અને મહારાણી કરતાં પણ મોટો માણસ હતો. 
ઝાડને પોતાનું જીવન ધન્ય થતું લાગ્યું. ત્રીજા ઝાડના લાકડાના ટુકડા કરીને 
તેને એ ટુકડા એમ જ અમસ્તા રાખી મૂકવામાં આવ્યા. એક દિવસ એના બે ટુકડાને 
ઊભા-આડા જોડીને એમાંથી ક્રોસ બનાવાયો.
 
 એક યુવાન એ ક્રોસ ઊંચકીને 
ટેકરી પર ગયો અને તેને એ વધસ્તંભ સાથે જડી દેવામાં આવ્યો. ત્રીજા વૃક્ષને 
સમજાયું કે ટેકરી પર, ઈશ્વરની નજીક પહોંચવાની તેની ઈચ્છા પૂરી થઈ હતી.
 
 બોધ : જ્યારે તમારું ધાર્યું ન થાય ત્યારે ધીરજ રાખજો અને સમજી લેજો કે 
ઈશ્વરે તમારા માટે ઘડી રાખેલી યોજના પ્રમાણે જ બધું થઈ રહ્યું છે.
Courtesy : Anonymous 
 
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment